એ દિવસ હવે દૂર નથી, બ્રિટનના અર્થતંત્રને ભારત પાછળ રાખી દેશેઃ પીએમ મોદી

અંજાર (કચ્છ) – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે આર્થિક વિકાસ માટે ઊર્જા ખૂબ જ આવશ્યક છે અને ઊર્જાની અછત કોઈ પણ દેશને ગરીબીમાંથી બહાર આવવા દેતી નથી.

મોદી કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં મુંદ્રા એલએનજી ટર્મિનલ, અંજાર-મુંદ્રા અને પાલનપુર-પાલી-બાડમેર ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યા બાદ બોલી રહ્યા હતા. એમણે કહ્યું કે એ દિવસ હવે બહુ દૂર નથી જ્યારે ભારતીય અર્થતંત્ર વિકાસની દ્રષ્ટિએ બ્રિટનના અર્થતંત્રને પાછળ રાખી દેશે.

મોદીએ કહ્યું કે, છેલ્લા 60 વર્ષોમાં દેશમાં 13 કરોડ પરિવારોએ ઘરેલુ ગેસ જોડાણ મેળવ્યા હતા, પણ પોતાની સરકારે છેલ્લા ચાર વર્ષમાં જ 10 કરોડ પરિવારોને જોડાણ આપ્યા છે.

મોદીએ કહ્યું કે, અનેક વડા પ્રધાનો અને મુખ્ય પ્રધાનો આવ્યા ને ગયા, પણ પોતે નસીબદાર છે કે એમને ત્રીજા એલએનજી (લિક્વીફાઈડ નેચરલ ગેસ)ના ટર્મિનલનું ઉદઘાટન કરવાનો મોકો પ્રાપ્ત થયો.

મોદીએ કહ્યું કે, ગુજરાત એલએનજી માટે ગેટવે અને હબ છે તથા ઊર્જાનું કેન્દ્રબિંદુ છે. હવે જ્યારે ત્રીજું એલએનજી ટર્મિનલ દેશને અર્પણ કરાયું છે ત્યારે તમામ ટર્મિનલ પૂર્વીય કાંઠાના વિસ્તારો સુધી ઊર્જા પહોંચતી કરવાની જવાબદારી પરિપૂર્ણ કરશે.

મોદીએ કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે લોકો કાચા રસ્તાઓથી સંતુષ્ટ રહેતા હતા, પણ હવે લોકોને આધુનિક વિકાસ જોઈએ છે.