નર્મદા ડેમ 121 મીટરે, હવામાનખાતાંની આગામી વરસાદની છે આવી આગાહી…

નર્મદાઃ રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે. ત્યારે નર્મદાડેમની જળસપાટીમાં પણ વધારો નોંધાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં 23 સેન્ટિમીટરનો વધારો થયો છે. સરદાર સરોવરની સપાટીમાં છેલ્લા 10 કલાકમાં પાણીની બમણી આવક નોંધાઈ છે. અત્યારે ડેમમાં 80,519 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ છે. તો કેનાલમાં 5317 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટીમાં વધારો થતા અત્યારે ડેમની સપાટી 121.03 મીટર પર પહોંચી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 120.62 મીટરે પહોંચી હતી. મધ્યપ્રદેશમાંથી રવિવારે 40341 ક્યુસેક પાણીની આવક થઇ હતી. નર્મદા બંધની જળ સપાટી 120.24 મીટર હતી. જે વધીને એક દિવસમાં 121.92 મીટર થઇ ગઈ છે. રવિવારે નર્મદા ડેમમાં 1203 mcm પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો હતો. ગુજરાતનાં ખેડૂતો માટે મુખ્ય કેનલમાં 6000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા સરદાર સરોવરમાં વગર વરસાદે નવા નીર આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે અષાઢી બીજના દિવસે નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સરદાર સરોવરમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. ડેમના ગોડબોલે ગેટમાંથી પાણી છોડાતા મુખ્ય કેનાલમાં 6,000 ક્યુસેક પાણી સિંચાઈ માટે છોડવામાં આવી રહ્યું છે.

મધ્યપ્રદેશના બર્શી અને હોશંગાબાદમાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસેલા વરસાદના કારણે ઓમકારેશ્વરના નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ હતી, જેના પગલે સરદાર સરોવરમાં પાણી છોડવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, ડેમમાં પાણીની સપાટી વધતા રવિવારે 6 ટર્બાઇન શરૂ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે વીજળીનું ઉત્પાદન પણ શરૂ થયું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]