ડિજિટલ શિક્ષણ પદ્ધતિનો વ્યાપ વધારાશેઃ CM રુપાણી

ભૂજ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં ડિજિટલ શિક્ષણ પદ્ધતિનો વ્યાપ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યની રપ૦થી વધુ પ્રાથમિક શાળાઓમાં ડિજિટલ-વર્ચ્યુઅલ કલાસરૂમ કાર્યરત પણ કરી દેવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ર૦૧૮ નવા વર્ષના પ્રથમ દિવસે કન્યા કેળવણીને સમર્પિત કરતાં કચ્છના માંડવી તાલુકાના પિયાવામાં નવનિર્મિત સ્વામીનારાયણ કન્યા વિદ્યામંદિરનો લોકાર્પણ કર્યો હતો.વિજય રૂપાણીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન-પ્રેરણા આપવાના અભિગમની ભૂમિકા આપતાં કહ્યું કે દોઢ દાયકા પૂર્વે ગુજરાતમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ પ૭ ટકા હતું, તે હવે ૭૦ ટકા સુધી પહોંચ્યું છે અને હવે સમાજ અને સરકારના સહયોગથી ૧૦૦ ટકા કન્યા સાક્ષરતાનો ધ્યેય પાર પાડવો છે. ૯ એકર વિસ્તારમાં રૂ.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત આ સ્વામીનારાયણ કન્યા વિદ્યામંદિરમાં ૧ર૦૦થી વધુ દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરશે. રાજ્યની ૫૭ હજાર સરકારી શાળામાં નવા ઓરડાઓ સાથે, બાલિકાઓ માટે અલાયદા ટોઇલેટ બ્લોક, વીજળી, પીવા માટે શુદ્ધ પાણીની સુવિધા રાજ્ય સરકારે પૂરી પાડી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમણે ભીક્ષામાં કન્યા કેળવણી માંગી હતી. હવે, આ સરકાર માતૃસત્તાત્મક સમાજની રચના માટે કટિબદ્ધ છે. દીકરી સંસ્કારની વાહક છે, સેવાની હિમાયતી છે, તેમ તેમણે જણાવ્યું હતું.મુખ્યપ્રધાને સંતગણ સાથે સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરનું લોકાર્પણ કરી પરિસરની મુલાકાત લીધી હતી, અમદાવાદના ગાદીપતિ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ અને મુખ્યપ્રધાને પરસ્પર અભિવાદન કર્યું હતું. દાતાઓનું પણ આ વેળાએ સન્માન કરવામાં આવ્યું હતું. ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મુખ્યપ્રધાનની કન્યા કેળવણી નિધિમાં રૂપિયા પાંચ લાખનું દાન આપવામાં આવ્યું હતું.