સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે આવેલ જાની હોલ ખાતે શ્રી કુંજ ગ્રુપ અને ઝનકાર ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ (પ્રજ્ઞા ચક્ષુ) સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5 જેટલા પ્રજ્ઞાચક્ષુ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. આ સમૂહ લગ્નના આયોજન દરમિયાન દીકરીઓને કરિયાવરમાં ચાંદીની ગાય, મંગલસૂત્ર, ચાંદીના ઝાંઝર, સોનાની ચૂન્ની, પાનેતર, ડ્રેસ, વાસણો, ફર્નિચર, જવેલરી, ધાબળા, ઈસ્ત્રી, સેન્ડવીચ મેકર, બ્લાઈન્ડર, રૂમાલ સેટ-ક્રોકરી સહિતની 150થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી.
શ્રી કુંજ ગ્રુપના નિમિષાબેન મહેતાએ કહ્યું, અમારા ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં પાંચ જેટલા વિવિધ સમૂહ લગ્નોમાં દીકરીઓને મદદરૂપ થવા માટે કામગીરી કરવામાં આવતી હતી. આ સાથે દીકરીઓને સમૂહલગ્નમાં ઘર વખરીથી લઈને ચાંદીની વસ્તુઓનું કન્યાદાન કરવામાં આવતું હતું. જોકે આ વર્ષે સમૂહલગ્નમાં મદદરૂપ થવાની જગ્યાએ જાતે જ ફાઉન્ડેશન અને ગ્રુપના સભ્યો દ્વારા સમૂહલગ્ન કરાવાનો સંકલ્પ કર્યો હતો. જેથી તમામ સભ્યો ભેગા મળીને માત્ર એક વર્ષના સમયમાં તમામ તૈયારીઓ કરીને દિવ્યાંગ દીકરીઓના સમૂહલગ્નને સફળ બનાવ્યા છે.
એક વર્ષ પહેલાં કરેલા આ સંકલ્પને શાકાર કરવા માટે ગ્રુપના સભ્યો તૈયારીઓ શરૂ કરી દીધી. ઝનકાર ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ દીકરીઓ જે લગ્ન કરવાની છે તેવી દીકરીઓનો સંપર્ક કરીને તેઓને સમૂહલગ્ન માટે તૈયાર કરી હતી. સંકલ્પના સમયે ગ્રુપના સભ્યોએ પોત પોતાની યથા શક્તિ પ્રમાણે કરિયાવરની વસ્તુઓ આપી આ સમૂહલગ્નને સફળ બનાવ્યો હતો.
