ડાંગમાં આશ્રમશાળાના બાળકો આ રીતે લાવે છે પીવાનું પાણી

ડાંગ :– ડાંગ જિલ્લામાં આહવા તાલુકામાં 1960થી બનાવેલી પ્રાથમિક શાળામાં આજે પણ બાળકોએ માથે ડોલ ઉંચકીને અડધો કિલોમીટર દૂરથી પાણી લાવવું પડે છે. જિલ્લા પંચાયત સંચાલિત આ પ્રાથમિક શાળા આહવા તાલુકાના ચીખલી ગામમાં છે. જ્યાં સરકાર દ્વારા મજૂરી કામ કરતાં બાળકો માટે સીઝનલ છાત્રાલય છે. અને તેમાં અંદાજે પચાસ જેટલાં છાત્ર રહે છે અને અભ્યાસ પણ કરે છે.ડિજિટલ ઇન્ડિયાની જાહેરાતો હોય કે કરોડો રૂપિયાની નવી શાળાની જાહેરાતો પણ જો ડાંગમાં તમે આવો તો ખબર પડે કે અહીં જાણે આજે પણ આમાની એક પણ સુવિધા પંહોચી જ નથી. અને આંખે ઉડીને વળગે તેવી વરવી પરિસ્થિતિના દર્શન થયા વગર રહેતા નથી. ડાંગ મહારાષ્ટ્રને અડીને આવેલો ગુજરાતનો આદિવાસી જિલ્લો છે કુદરતી સંપદાથી ભરેલા જિલ્લામાં રોજગારી માટે લોકોએ પોતાના બાળકોના ભણતરને ભૂલીને અથવા તો બાળકોને આશ્રમશાળામાં મુકીને અન્ય જિલ્લામાં રોજગારી માટે જવુ પડે છે. જે શેરડીની કાપણી, ડાંગરની કાપણી, તેમજ કેરી ચીકુની સીઝન મુજબ અથવા તો કારખાનામાં કામ મુજબ રોજગારી માટે વર્ષની ત્રણેય ઋતુ અનુસાર રઝળપાટમાં વિતાવે છે. ત્યારે સરકાર દ્વારા તેમના બાળકોના ભણતર માટે અને તેમના સારા ભવિષ્ય માટે જિલ્લામાં ઠેરઠેર પ્રાથમિક શાળાની સંગાથે ખાસ છાત્રાલય બનાવી તેમા બાળકોને રહેવાની અને ભણવાની સગવડ ઉભી કરી છે આવી જ એક છાત્રાલય કમ પ્રાથમિક શાળા આહવા તાલુકાના ચીખલી ગામે આવેલી છે આ શાળા ડાંગ જિલ્લા પંચાયત સંચાલિત છે અને તેમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ૧૦૦ વિદ્યાર્થીઓ અંહી છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળા નજીક એક સરકારી છાત્રાલય છે તો, બીજી ક્રિશ્ચિયન મિશનરીની છાત્રાલય છે. બન્નેમાં ૫૦ – ૫૦ વિદ્યાર્થીઓ રહે છે પરંતુ આ વિદ્યાર્થીઓ માટે પાણીની કોઇ જ સગવડ નથી જેને કારણે આ ફૂલ જેવા કુમળાં બાળકોએ છાત્રાલયથી દૂર ગામમાં આવેલા કુવામાં પાણી લેવા જવું પડે છે. તમામ બાળક આ રીતે માથે ડોલ મૂકીને પાણી લાવે છે આ જ પાણી તેઓએ રસોઇમાં પીવામાં અને ન્હાવા કે કપડા ધોવા માટે વાપરવું પડે છે. આ અંગે પ્રાથમિક શાળાના ગૃહપતિએ જણાવ્યું હતુ કે સરકાર દ્વારા અહી બોર કરી આપવામાં આવ્યો છે.  પરંતુ તેમાં પાણી નથી જ્યારે પાણીની પાઇપલાઇન છે પરંતુ તે છ માસથી તૂટી ગઇ છે એટલે પાણીની જરૂરિયાત માટે બાળકોએ ગામના કૂવે પાણી ભરવા જવું પડે છે આ પ્રાથમિક શાળા સાથે સિઝનલ છાત્રાલય ચાલે છે જેમાં વર્ષના છ માસ સુધી છોકરા છોકરીઓ રહે છે અને ભણે છે. સરકારી અનેક સગવડ અમને અંહી અંતરીયાળ ગામ હોવાને કારણે મળતી નથી.

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ગુજરાત રાજ્ય એસ. ટી. નિગમના ડિરેક્ટર બાબુભાઈ ચૌર્યાને  પૂછતા તેમણે આવી બાબત અંગે અજ્ઞાન વ્યક્ત કરીને ડાંગમાં આવી કોઇ શાળા કે છાત્રાલય હોય એવુ તેમની જાણમાં ન હોવાનું જણાવ્યું હતં.  પરંતુ તેઓ આ અંગે તપાસ કરશે અને ચીખલી ગામની શાળાની મુલાકાત લઇ ત્યાં જે સુવિધાઓની જરૂર છે તે પુરી કરવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં આદિવાસીઓ માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મુકી છે અને તેમાં બાળકોના શિક્ષણ માટે શિક્ષકો, શાળાના ઓરડા પુસ્તકો સહિત તમામ સગવડો મળી રહે તે માટે વધારાનું ભંડોળ ફાળવ્યું છે પરંતુ શાળાના શિક્ષકો, પંચાયતના સભ્યો અને નેતાઓની અણઆવડતે કે ભ્રષ્ટાચારભરી નીતિને કારણે આ આદિવાાસી બાળકો આજે પણ તે તમામ સુવિધાઓથી વંચિત જ રહ્યાં છે અને ભણતર સાથે બાળપણ બન્ને ખોઇ રહ્યા છે. ​

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]