અમદાવાદઃ­ વાસણા સહિત અનેક વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા શહેરમાં સરકારી તંત્ર દ્વારા ટ્રાફિક નિયમન, દબાણ હટાવવાની તેમજ માર્ગો પર આવેલા ગેરકારદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાથે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે માટી ઉપાડતા મશીન, બગીચા ખાતું પણ સક્રિય થઇ ગયું છે.

આ ઝુંબેશના ભાગ રુપે વહેલી સવારથી જ આર.ટી.ઓ., ટ્રાફિક શાખા, અમ્યુ.કો ના કર્મચારીઓ એ પોતાના વિભાગની કામગીરી શરુ કરી દીધી હતી. અમદાવાદ શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં બંન્ને તરફ માર્ગ પરના દબાણો ક્યાંક તંત્ર હટાવી રહ્યું છે તો ક્યાંક લોકો પોતે જ કારીગરો દ્વારા કામગીરી કરાવી રહ્યા છે.

આજે વાસણા વિસ્તારમાં લારી-ગલ્લાને દબાણ ખાતા દ્વારા ઉપાડી લેવામાં આવ્યા હતા. વાસણાથી જુહાપુરા તરફ જતા આ વિસ્તારમાં દુકાન-મકાનના વધારાના દબાણોને જે.સી.બી. મશીન દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા. દબાણની આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તેમજ અમ્યુ.કોના કર્મચારીઓ એ જહેમત ઉઠાવી માર્ગો મોકળા કર્યા હતા.

(અહેવાલ-તસવીર પ્રજ્ઞેશ વ્યાસ)