અમદાવાદઃ ટ્રાફિક નિયમો તોડ્યાં તો આજથી ઘેર ઈ-મેમો આવશે

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા લોકોને આજે રવિવારને 15 એપ્રિલથી ઈ-મેમો મળવાનું શરૂ જશે. ૮૭ જંક્શન પર ઇન્સ્ટોલ કરાયેલા ૧૩ર૦ કેમેરા નિયમ ભંગ કરનારા ઉપર નજર રાખશે. સૌથી મહત્વના વાત એ છે કે એસએમએસ અને ઇ-મેઇલથી પણ ઈ-મેમો અપાશે.

જાન્યુઆરી-ર૦૧૮માં ઇ-ચલણ સિસ્ટમ રદ કરાઇ તે પહેલાંના વાહનચાલકોને અપાયેલા નવ લાખ ઈ-મેમો, જેમણે હજુ ભરવાના બાકી છે તેવા વાહનચાલકોએ પણ જૂના ઈ-મેમોનો દંડ ભરવો પડશે તેમ જેસીપી નીરજા ગોટરુએ જણાવ્યું હતું. શહેરના કોઇ પણ પોલીસ સ્ટેશનના સીએસઆઇટીએમએસ કેન્દ્રમાં, પોલીસ કમિશનરની કચેરી અને સ્ટેટ બેન્કની બ્રાન્ચ કે જ્યાં જે તે વ્યકિતનું ખાતું હશે ત્યાં તેઓ ઈ-મેમોનો દંડ ભરી શકશે. બેન્કમાં ઈ-મેમો ભરનારે રૂ.૧૮નો વધુ ચાર્જ ચૂકવવો પડશે.

www.cpahmedabad.gujarat.gov.in અને payahmedabadchallan.org. પર ઓનલાઇન દંડનું પેમેન્ટ કરી શકાશે. દંડ ભરનારે ઈ-મેમોની નકલ અથવા એસએમએસ સાથે રાખવા પડશે અને કોઇ પણ એક ઓળખકાર્ડ સાથે રાખવું પડશે.
ઈ-મેમોનો દંડ નહીં ભરનારા સામે એનસી એટલે કે જાણવાજોગ ફરિયાદ થઇ શકે છે.

જો ફરિયાદ થશે તો વાહનચાલકને કોર્ટમાં દંડ ભરવા જવું પડશે જો કે તેના માટે હજુ વિચારણા થઇ રહી છે. વારંવાર ભયજનક રીતે વાહન ચલાવવાના એમવી એકટ-૧૮૪ ના કિસ્સામાં જો એક જ વ્યકિતને પાંચમી વાર ઈ-મેમો મળશે તો તેનું લાઇસન્સ રદ પણ થઇ શકે છે.

શહેરનાં મોટા ભાગનાં જંક્શન પર સીસીટીવી લાગી ચૂક્યા છે. જો કોઇ વાહનચાલક ઝિબ્રા ક્રોસ કશશે તો પણ ફોટો પડી જશે અને ઇ-મેમો મળશે. સ્માર્ટ સિટી અંતર્ગત સીસીટીવી સર્વેલન્સ અને ઇ-ચલણ માટે શહેરની પોલીસ કમિનશરની કચેરીમાં અદ્યતન સીસીટીવી કંટ્રોલરૂમ શરૂ કરાયો છે.

શહેરમાં કુલ ૬,પ૦૦ સીસીટીવી લાગશે. પહેલા તબક્કે ૧ર૦૦ કેમેરા લગાવાયા છે. જો કોઇ વાહનચાલકે તેનું વાહન વેચી દીધું હોય, પરંતુ ખરીદનારના નામે રજિસ્ટર્ડ નહીં કરાયું હોય તેવા કિસ્સામાં ૧પ મે સુધી હેલ્પલાઇન ઊભી કરાઇ છે. ઇ-ચલણ મળ્યા પછી આવા વાહનના માલિકે હેલ્પલાઇનની ટીમ પાસે પહોંચીને પોતાના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે અને નિયત સમયમાં નામ ટ્રાન્સફર કરાવવું પડશે.

નીયત સમયમાં જો આ નામ ટ્રાંસફર નહી કરાવ્યું હોય તો ત્યારબાદ કોઇ દલીલો માન્ય રખાશે નહીં. ઇ-ચલણ મળ્યા બાદ ૧૦ દિવસમાં દંડની રકમ ભરી દેવી પડશે. શહેરમાં જ્યાં કેમેરા નથી ત્યાં ટ્રાફિક પોલીસ તેમના મોબાઇલની ખાસ એપ દ્વારા વાહનનો ફોટો પાડશે તેની સાથે તેનો ડેટા ઇ-ચલણ સોફટવેરમાં જનરેટ થશે.