માદક પદાર્થ સંબંધિત કેસોમાં જો આમ બનશે તો પોલિસ કર્મચારી-અધિકારીઓ પણ સાણસામાં આવશે…

ગાંધીનગર- રાજ્યમાં ડ્રગ્સ કે અન્ય માદક પદાર્થોનું વેચાણ, સંગ્રહ, ઉપયોગ કે વહન સંપૂર્ણપણે નાબૂદ થાય તે સુનિશ્ચિત કરવા ડી.જી.પી.શિવાનંદ ઝા દ્વારા અગાઉ ખાસ મીટિંગ યોજીને તમામ એકમોને નિર્દેશ કરવામાં આવ્યો હતો કે આવા માદક પદાર્થોની સમાજ અને યુવાનોના સ્વાથ્ય પરની ખરાબ અસરોને ધ્યાને લેતાં, આવા પદાર્થોનું વેચાણ અને ઉપયોગ સદંતર બંધ થાય તે માટે તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવે.

આ માટે ડી.જી.પી. દ્વારા તમામ એકમોને નાર્કોટીક્સ પદાર્થો પકડી પાડવા અંગેની એક ખાસ ડ્રાઇવ પણ આપવામાં આવેલ છે. ખાસ કરીને જે વિસ્તારોમાં આવા પદાર્થોનું વેચાણ, ઉત્પાદન કે સંગ્રહ થઇ શકે તેવી સંભાવના હોય તેવા વિસ્તારોમાં ખાસ વોચ રાખીને સઘન ચેકીંગ કરવા તથા આવા વિસ્તારોમાં અવારનવાર કોમ્બિંગ રાખવા પણ જણાવ્યું હતું.  આ બેઠકમાં માદક પદાર્થો પકડવામાં કોઇ એકમની નબળી કામગીરી જણાય આવશે તો તેવા એકમના સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે તેમ પણ રાજ્ય પોલીસ વડાએ આ બેઠકમાં જણાવ્યું હતું.

આ સંદર્ભે ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા એક ખાસ પરિપત્ર કરીને રાજ્યના તમામ જિલ્લા/શહેરના પોલીસ અધિકારીઓને નાર્કોટીક્સ/માદક પદાર્થો અંગે કરવાની કાર્યવાહી વિશે વિગતવારની સૂચનાઓ આપેલ છે. જેમાં રાજ્યના યુવાધનને આવા પદાર્થોની બદી સ્પર્શે નહીં તે માટે રાજ્યમાં આવેલ મોટા શૈક્ષણિક સંકૂલો/સંસ્થાઓ આસપાસ વિશેષ તકેદારી રાખી ચેકીંગ તથા વોચ રાખવા તમામ પ્રકારના સોર્સ દ્વારા વધુમાં વધુ બાતમી મેળવવા, પડદાં પાછળ રહીને કામ કરતાં આરોપીઓને ઓળખીને તેની ધરપકડ કરવા, માદક પદાર્થોનો જથ્થો કેવા વાહનમાં લાવવામાં આવેલ હતો, કયા રૂટ મારફતે લાવવામાં આવેલ હતો, આવી હેરફેર માટે કોઇ ચોક્ક્સ સમયની પસંદગી કરવામાં આવેલ હતી કે કેમ, કોઇ સરકારી કર્મચારી ગુનામાં સંડોવાયેલ હતો કે કેમ તથા આવા ગુનાઓની તપાસ યોગ્ય રીતે થાય તે માટેના વિગતવારના સૂચનો આપવામાં આવેલ છે.

સ્થાનિક પોલીસ સામે લાલ આંખ કરતાં ડી.જી.પી.એ જણાવેલ છે કે જો બહારની એજન્સી જેવી કે,  સી.આઇ.ડી.(ક્રાઇમ), એ.ટી.એસ.,  એલ.સી.બી./એસ.ઓ.જી દ્વારા કેસો શોધી કાઢવામાં આવશે તો, તેવા સ્થાનિક પોલીસ સ્ટેશન/બીટ/ચોકીના પોલીસ અધિકારી/કર્મચારીની જવાબદારી નક્કી કરી સસ્પેન્ડ કરવામાં આવશે અને તેઓના સુપરવાઇઝરી અધિકારી વિરુદ્ધ પ્રાથમિક તપાસ આપવામાં આવશે. જો આવી તપાસમાં અધિકારી નિષ્ક્રિય કે બિનકાર્યક્ષમ જણાશે તો તેમના વિરુદ્ધ ખાતાકીય પગલાં લેવામાં આવશે તથા તેમના વાર્ષિક ખાનગી અહેવાલમાં નોંધ કરવામાં આવશે. વધુમાં, આ પરિપત્રમાં જણાવવામાં આવેલ છે કે બહારની એજન્સીઓને રેઇડ દરમ્યાન સ્થાનિક પોલીસને સાથે રાખવાની રહેશે નહીં અને જો સી.આઇ.ડી.(ક્રાઇમ) કે એ.ટી.એસ જેવી એજન્સી રેઇડ કરે તો જિલ્લા/શહેરની એસ.ઓ.જી વિરુ્દ્ધ તપાસ કરવામાં આવશે.