મેટ્રોના માર્ગમાં આવતાં મકાનો તોડી પડાયાં

અમદાવાદઃ શહેરમાં મેટ્રો ટ્રેનનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે શહેરના સુભાષ બ્રિજ પાસેના કેશવનગરમાં મેટ્રો ટ્રેન માટે તૈયાર કરવામાં આવી રહેલા બ્રિજની વચ્ચે આવતાં મકાનોનાં દબાણોને દૂર કરવામાં આવ્યાં હતાં. સાબરમતી પાવર હાઉસ અને સુભાષ બ્રિજ તરફ ચીમનભાઈ બ્રિજને સમાંતર મેટ્રો ટ્રેનના માર્ગ અને સ્ટેશન તૈયાર થઈ રહ્યાં છે. કેશવનગર ચીમનભાઈ પટેલ બ્રિજ નીચે મેટ્રોના માર્ગ વચ્ચે આવતાં દબાણો અને મકાનોને અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂર કરવામાં આવ્યાં હતાં.

મેટ્રો માટે વર્ષો જૂનાં પાકાં મકાનો તોડવા માટે કેટલાક લોકોને વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું. જ્યારે કેટલાક મકાનધારકો એ જગ્યા છોડવા માગતા નહોતા. જોકે આજે વહેલી સવારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ ખાતા સહિતની જુદી-જુદી ટીમોએ સાથે મળી દબાણો દૂર કરવાની શરૂઆત કરી દીધી હતી.

આ દબાણો દૂર કરવામાં અડચણો ના આવે એ માટે રાણીપ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સહિત પૂરતો પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ મકાનો તોડવાની કામગીરી દરમિયાન કેટલાક અસંતુષ્ટ રહીશોએ ભારે વિરોધ પણ કર્યો હતો, પરંતુ તેમના વિરોધ વચ્ચે મકાનો પર જેસીબી અને બુલડોઝર ફરી વળ્યાં હતાં. અહીં મોટી સંખ્યામાં મકાનોને તૂટતા જોવા ચીમનભાઈ પટેલ બ્રિજ પર ભીડ જમા થઈ ગઈ હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)