સૌરાષ્ટ્ર યુનિ.માં ઈતિહાસનું મહાકૌભાંડઃ 43 વિદ્યાર્થી 3 આચાર્ય પર ગાળીયો કસાયો

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. હોમિયોપેથી ફેકલ્ટીના ડીન અને તેના સાગરીતોએ એક મોટુ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. 43 વિદ્યાર્થીઓ અને ત્રણ પ્રિન્સિપાલ અને 50 કૌભાંડિયાઓએ ભેગામળી આર્થિક લાભ મેળવવા માટે બોગસ સરકારી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. હોમિયોપેથી ફેકલ્ટીના ડીન અને તેના સાગરીતોએ જ સમગ્ર કૌભાંડ આચર્યાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કેટલાય શિક્ષણવિદ્દો કાયદાના સકંજામાં સપડાશે. તપાસ કમિટીએ 200 પાનાંનો રિપોર્ટ તૈયાર કર્યો છે.

સમગ્ર મામલે હોમિયોપેથીના ડીન અમિત જોષીએ રાજીનામાનું નાટક કર્યું છે, પરંતુ આ આખા ષડ્યંત્રમાં અમિત જોષીનો શું રોલ છે અને તેના સાગરીતો કોણ-કોણ છે તે અંગેની સમગ્ર વિગતો મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવી. પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓનો આંકડો 60 થી વધુ થાય તેવી શક્યતા પણ રહેલી છે. વર્ષ 2012 થી 2017 સુધીમાં કુલ 56 વિદ્યાર્થીઓએ સેન્ટર કાઉન્સિલ ફ હોમિયોપેથીના 5 ટકા એડમિશન મેળવવાના નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ત્રણ હોમિયોપેથી કોલેજોમાં એડમિશન લીધા હતા. આ પૈકી 43 વિદ્યાર્થીએ એફવાયની એટલે કે પ્રથમ વર્ષની બોગસ માર્કશીટના આધારે એસવાયમાં પ્રવેશ મેળવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું, જ્યારે 13 વિદ્યાર્થીઓએ ગુજરાત બહારના રાજ્યની કોલેજમાં હોમિયોપેથીનું પ્રથમ વર્ષ પાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજોમાં પ્રવેશ લીધો હોવાનું બહાર આવ્યું હતું.

બી.એચ ડાંગર કોલેજના પ્રિન્સિપાલ અમિત જોષી પર વિદ્યાર્થી દીઠ 5 થી 7 લાખ રૂપીયા લીધા હોવાનો આરોપ લાગ્યો છે. સમગ્ર મામલે 2012 થી 2017 સુધીમાં 43 બોગસ સર્ટીફિકેટ બનાવી આપ્યા હોવાનો પર્દાફાશ થયો છે. સમગ્ર કૌભાંડ 3 થી 5 કરોડ રૂપીયાનું હોવાની શક્યતા છે. હવે જે લોકોની આ કૌભાંડમાં ભૂમીકા રહેલી તે તમામ લોકો વિરૂદ્ધ આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે.