ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું કેન્સરનું ઓપરેશન સફળ રહ્યું; તબિયત સુધારા પર

અમદાવાદઃ ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનું કેન્સરનું ઓપરેશન સફળ રહ્યું છે. હોસ્પિટલના મેડિકલ બુલેટિનમાં જણાવાયા મુજબ ગઈ કાલે ડો.કૌસ્તુભ પટેલ અને ટીમે સર્જરી કરી છે. તેમની તબિયત સુધારા ઉપર છે. ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને નાદુરસ્ત તબિયતને કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પ્રદીપસિંહ જાડેજાને ત્રણ દિવસ હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવશે.
પ્રદિપસિંહ જાડેજાને આગામી 48 થી 72 કલાક સુધી હોસ્પિટલના આઇ.સી.યુ માં તબીબી દેખરેખ નીચે રાખવામાં આવશે તેમ પણ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું છે. પ્રદીપ સિંહ જાડેજાના ખબર અંત પૂછવા એડમીન ડીજીપી ટી.એસ.બિસ્ટ HCG હોસ્પિટલ પહોંચ્યા હતા. તો આ સીવાય રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પણ ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના ખબર અંતર પૂછ્યા હતા.

ડોક્ટરે વધુમાં જણાવ્યું કે, “ઓપરેશન બાદ તેમના બાયોપ્સી સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમનો રિપોર્ટ ત્રણ દિવસ પછી આવશે. ત્રણ દિવસ બાદ તેમને કયા સ્ટેજનું કેન્સર હતું, તેમજ શું સારવાર લેવી પડશે તેની ખબર પડશે. બે ડોક્ટરની ટીમ દ્વારા સફળતાપૂર્વક આ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિક સર્જનનો પણ સમાવેશ થાય છે. તેમણે ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી આઈસીયુમાં રહેવું પડશે, તેમજ આઈસીયુપીમાંથી બહાર લવાયા બાદ ત્રણ દિવસ જેટલું હોસ્પિટલમાં રહેવું પડશે.”