કનડગત કરતાં પોલિસકર્મીઓને બક્ષવામાં નહીં આવેઃ ગૃહપ્રધાન જાડેજાનું આશ્વાસન

ગાંધીનગર-પોલિસકર્મીઓ દ્વારા હોટેલકર્મીને માર મારવાના બનાવને લઇને એવા બનાવો ફરી ન બને તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું આશ્વાસન ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું હતું. કનડગત કરનાર ચાર પોલિસકર્મીઓને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યાં છે.તેમણે જણાવ્યું હતું કે રાજ્યના નાગરીકોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ થકી કોઇ અડચણ ન આવે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પોલીસ કર્મીઓ દ્વારા પણ નાગરિકોને કનડગત થાય તે સામે પગલાં લેવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં સરખેજ ગાંધીનગર હાઇવે પરની જય દ્વારકાધીશ હોટલ ખાતે જમવા બાબતે હોટલના કર્મચારીઓને પોલીસ કર્મીઓ દ્વારા માર મારવામાં આવેલની ફરિયાદ મળતા આ ચારેય પોલીસ કર્મીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફ કર્યા છે.

જાડેજાએ ઉમેર્યુ કે,રાજ્યમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તથા નાગરિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે અને સમયબદ્ધ આયોજન તથા સમયસરની કામગીરીના પરિણામે સફળતાઓ પણ મળી છે. જય દ્વારકાધીશ હોટલ ખાતે ૩૧ જાન્યુઆરી ૧૮ના રોજ સવારે બનેલ બનાવને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લઇને સત્વરે કડક હાથે કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી અને ત્વરિત કામગીરીના પરિણામે આ કાર્યવાહી કરાઇ છે.

જય દ્વારકાધીશ હોટલ ખાતે બનેલ બનાવમાં બોપલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ચાર પોલીસ કોન્સ્ટેબલોએ હોટલના કર્મચારીઓને માર માર્યો હતો તે સંદર્ભે હોટલના સીસીટીવીના રેકોર્ડિંગને ધ્યાને લઇ પોલીસ વિભાગે સમયસરની કાર્યવાહી હતી અને તેમની સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. ર ફેબ્રુઆરીના રોજ આ તમામ પોલીસ કર્મચારીઓને ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમદાવાદ દ્વારા ફરજ મોકૂફ કરાયા છે અને આ ચારેય પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.