તત્કાલીન સીએમ મોદીની પ્રેરણા બની પોલિસદળ માટે ઉપયોગી રીસર્ચ બૂકનું માધ્યમ

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પોલિસદળમાં અશ્વસવાર પોલીસદળના ઇતિહાસ અને ભાવિ આયોજન-મહત્તાને આવરી લેતાં પુસ્તક ‘‘હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધ માઉન્ટેડ પોલિસ ઇન ઇન્ડિયા-અ બ્રીફ નોટ’’નું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.

2014માં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં યોજાયેલી ૩રમી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેસ્ટ્રિયન મીટના અવસરે અશ્વ અને ઘોડેસવારીના ઇતિહાસ, વીરતા અને ગતિ તથા શૌર્યની વિરાસતને પુસ્તક-ડોકયુમેન્ટ સ્વરૂપે આવનારી પેઢીઓ સમક્ષ મુકવાનો વિચાર આપ્યો હતો.

તેના પ્રતિસાદરૂપે આ પુસ્તક લેખન માટેનો પ્રોજેકટ રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. કર્ણાટક રાજ્યના પૂર્વ પોલીસ મહાનિદેશક-ડી.જી.પી. ડૉ. એસ. ક્રિષ્ણામૂર્તિએ પુસ્તકનું લેખન-સંકલન કર્યુ છે. તેઓ પણ આ વિમોચન વેળાએ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભારતીય પોલીસ દળમાં દાયકાઓથી માઉન્ટેડ પોલીસ દળ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે અને ગુજરાત પોલીસનું અશ્વદળ દેશમાં સૌથી વધુ સંખ્યાબળ ધરાવતું અશ્વદળ છે. આ સંદર્ભમાં આ પુસ્તક રાજ્યના પોલીસ અશ્વદળની સક્ષમતા-સજ્જતા અને ભાવિ ઉપયોગીતા માટે અગત્યનું બની રહેશે.

‘હિસ્ટ્રી એન્ડ ફયુચર ઓફ ધી માઉન્ટેડ પોલિસ ઇન ઇન્ડિયા’ પુસ્તક અશ્વ ઇતિહાસ-સંશોધનમાં રસ ધરાવનારાઓ તેમજ અશ્વ સવારો-અશ્વ પ્રેમીઓ માટે એક સંદર્ભ ગ્રંથ બનશે.