માતાના અગ્નિ સંસ્કારના એક કલાક પછી તરત ચૂંટણી કામગીરીમાં જોડાઈ ગયાં…

હિંમતનગર- ચૂંટણીની કામગીરી માટે વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓને ખાસ જવાબદારી સાથે કામે લગાડવામાં આવતાં હોય છે. જેને લઇને અગવડનો સામનો થતો હોય ત્યારે કેટલાક કર્મચારીઓ આ જવાબદારીથી કિનારો કરી લેવા તત્પર હોવાના કિસ્સા બનતાં રહે છે. ત્યારે એક એવા ફરજનિષ્ઠ કર્મચારીનું ઉદાહરણ સામે આવ્યું છે કે તેમની કદર કરવી પડે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં માહિતી કચેરી ખાતે કાર્યરત મિડીયા મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા હિંમતનગરના શિક્ષક પોપટભાઈ પટેલની આ વાતમાં ચૂંટણી ફરજ પ્રત્યેની નખશીખ નિષ્ઠા ટપકે છે એટલું જ નહી પરંતુ અન્ય સૌ કોઈને પ્રેરણા પણ પુરી પાડે છે.

23 તારીખે મહત્તમ મતદાન થાય તેની સાથે સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે માટે સાબરકાંઠા જિલ્લા  તંત્ર ખડે પગે કાર્યરત છે. જિલ્લામાં પેઈડ ન્યૂઝ તથા અન્ય સમાચારોના મોનીટરિંગ માટે સાબરકાંઠા માહિતી કચેરીમાં મિડીયા સેન્ટર કાર્યરત કરાયું છે. આ મિડીયા સેન્ટરમાં ૨૧ જેટલા શિક્ષકોને “રાઉન્ડ ધ ક્લોક” ફરજ સોંપાઈ છે. ત્રણ શિફ્ટમાં ૭-૭ શિક્ષકો ફરજ બજાવે છે અને સમાચારો પર દેખરેખ રાખે છે. અહીં ફરજ બજાવતા શિક્ષક પોપટભાઈ પટેલ શિક્ષક તરીકે પોશીના તાલુકાના મતરવાડા-૨ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. તેમના માતા શાંતાબહેનનું તાજેતરમાં અવસાન થયું હતું. આ દુ:ખદ ઘટનાથી ભાંગી પડેલા શિક્ષક પોપટભાઈ પટેલે તંત્રને જાણ કરી તરત જ પોતાના વતન પ્રાંતીજ તાલુકાના અંબાવાડા ગયાં. અને મનમાં માતાના અવસાનના ઘેરા શોક સાથે  પરિવારજનોની હાજરીમાં અગ્નિસંસ્કાર સંપન્ન થયાં. માતાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો અને પોપટભાઈ પટેલના તનમન પર સવાર એવી ચૂંટણી પ્રત્યેની ફરજ યાદ આવી.પરિવારજનોને મળ્યાં ન મળ્યાં અને તરત જ પોતાની મિડીયા મોનીટરિંગની ફરજ પર હાજર થઈ ગયાં.તેમને પરત આવેલા જોઈને સાથી કર્મચારી એવા શિક્ષકો પણ મૂંઝવણમાં પડી ગયાં.એક તરફ પોપટભાઈ પટેલ પર આવી પડેલા દૂ:ખ પ્રત્યે સંવેદના હતી તો બીજી તરફ ચૂંટણી ફરજ પ્રત્યેની તેમની ફરજ નિષ્ઠા પર ગૌરવ પણ હતું.પોપટભાઈ પટેલે જણાવ્યું કે, “ મા, તો કોને વ્હાલી ના હોય…? મેં પણ માતાની આંગળી પકડીને જીવનની અનેક ડગલીઓ માંડી છે…તડકીછાયડીઓ જોઈ છે.. માતાના અવસાન પછી મારા પરિવારજનોને પણ મારી જરૂર હતી… મારા ભાઈઓ- ઈચ્છતા હતા કે હું તેમની સાથે રહું… થોડો સમય વિતાવું તો દુ:ખ વહેંચાય.. પણ મેં વિચાર્યું હતું કે મેં મારી માતાને અગ્નિ સંસ્કારનો મારો અધિકાર ભોગવ્યો, પણ હવે સમય હતો મારી ફરજ અદા કરવાનો… અને એટલે જ હું તરત જ મારી ફરજ પર હાજર થઈ ગયો…” એકતરફ કેટલાક લોકો પોતાની નાની નાની શારીરિક બીમારીઓને આગળ કરી ચૂંટણી ફરજમાંથી મક્તિ લેવા જુદાજુદા હથકંડા અપનાવતા હોય છે. ક્યાંક બીમારી, કયાંક સામાજિક કામોની આળ લઈને પણ ચૂંટણી ફરજમાંથી છૂટવા ફાંફા મારતા હોય છે ત્યારે પોપટભાઈ પટેલ માતાના મૃત્યુ પછી તરતજ ફરજ પર હાજર થયાં. આ એક અનુકરણીય કિસ્સો છે.