ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણ મામલે તબીબો માટે નક્કી થયું આ કામ

અમદાવાદઃ ગર્ભાવસ્થા દરમિયાન શિશુનું જાતિ પરીક્ષણ કરવા માટે થતી મેડિકલ તપાસ મામલે ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે હવે પછી સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતા પહેલાં ગાયનેકોલોજિસ્ટને એક પરીક્ષા આપવાની રહેશે. હાઈકોર્ટના આ આદેશ બાદ ચોક્કસપણે ભ્રૂણ હત્યાના કેસમાં ઘટાડો નોંધાશે.

જાતિ પરીક્ષણ કરતા ગાયનેકોલોજિસ્ટ અને ટેક્નિશિયનો સામે હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી. આ અરજી અંતર્ગત સરકાર તરફે એવી દલીલ કરાઈ હતી કે જાતિ પરીક્ષણ અટકાવવા માટે સરકાર દ્વારા પરીક્ષા અને તાલીમ આપવામાં આવશે અને આ પરીક્ષા પાસ કરનાર અને ટ્રેનિંગ લેનારા ગાયનેકોલોજિસ્ટને જ માત્ર સોનોગ્રાફી મશીન વાપરવાની મંજૂરી પ્રાપ્ત થશે.

તો આ મામલે સામા પક્ષે દલીલ કરાઈ હતી કે મોટાભાગના ગાયનેકોલોજીસ્ટ સિનિયર છે અને તેઓ વર્ષોથી ક્લિનીક ચલાવે છે એટલે આ લોકોને તાલીમમાંથી મુક્તિ મળવી જોઈએ. જવાબમાં સરકાર તરફથી દલીલ કરાઈ કે રાજ્યભરમાં ધમધમી રહેલા જાતિપરીક્ષણના વેપારને નિયંત્રણમાં લાવવા માટે કડક અમલવારીની જરૂર છે.

સરકાર તરફથી કરવામાં આવેલી દલીલમાં જણાવાયું કે નિયમો કડક કરવાથી ગ્રામ્ય વિસ્તાર જ નહી પરંતુ શહેરી વિસ્તારોમાં પણ થતી ભ્રૂણ હત્યા પર નિયંત્રણ આવી જશે. ત્યારે હાઈકોર્ટે સમગ્ર મામલે બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ એક મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવતા જણાવ્યું છે કે હવેથી સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતા પહેલાં ગાયનેકોલોજીસ્ટને એક પરીક્ષા આપવી પડશે અને ત્યારબાદ જ તે આ પ્રકારના મશીનનો ઉપયોગ કરી શકશે.

મહત્વનું છે કે અત્યાર સુધી ઘણીવાર રાજ્યમાં અનેક જગ્યાએ ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ થતું હોવાના કિસ્સાઓ અને સાથે ભ્રૂણ હત્યાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે.  જે હવે હાઈકોર્ટે આપેલા ચૂકાદા બાદ શક્ય બનશે.