દાહોદમાં મેઘમહેર, જિલ્લાના ડેમોની સપાટી વધી

દાહોદઃ રાજ્યના 140 જેટલા તાલુકાઓમાં મેઘમહેર છે. ક્યાંક ધીમીધારે વરસાદ છે તો ક્યાંક બારે મેઘ ખાંગા થયા છે અને કંઈક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હજી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આણંદ, ડાંગ, પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ગીર-સોમનાથ, પોરબંદર, રાજકોટ, અમરેલી જિલ્લો, ભાવનગર, બોટાદ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે 3,479 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એટલું જ નહીં રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધી કુલ 30 લોકોનાં મોત થયા છે, જેમાંથી 10 લોકોનાં મોત વીજળી પડવાને કારણે, 11 લોકોનાં મોત ડૂબી જવાને કારણે મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી દાહોદ જિલ્લામાં વરસેલા વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો, દાહોદ 250 મીમી, ગરબાડા 160 મીમી, ધાનપુર 185 મીમી, લીમખેડા 255 મીમી, ઝાલોદ 148 મીમી, ફતેપુરા 290 મીમી, સંજેલી 175 મીમી, સિંગવડ 201 મીમી વરસાદ નોધાયો છે.

તો દાહોદ જિલ્લાના ડેમોની વાત કરવામાં આવે તો પાંડુરંગી ડેમની જળ સપાટી 164.9 મીટર, માછણનાળા ડેમની સપાટી 272 મીટર, હડફ ડેમની સપાટી 164.4 મીટર, કાળી-2 ડેમની સપાટી 250.4 મીટર, અદલવાડા ડેમની સપાટી 233.9 મીટર, વાકલેશ્વર ડેમની સપાટી 220.21 મીટર, અને કબુતરી ડેમની સપાટી 180.9 મીટર પર પહોંચી છે.