અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

અમદાવાદ- આખરે લાંબા સમય સુધી રાહ જોયા બાદ રાજ્યમાં હવે વાતાવરણમાં પલટો આવ્યો છે.  અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અમદાવાદમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ સાંજે સાડા છ વાગ્યાના સુમારે જોરદાર વરસાદ ત્રાટક્યો હતો. અમદાવાદમાં કેટલાક વિસ્તારો જેવા કે બોપલ, ઘુમા, થલતેજ, મણિનગર, હાટકેશ્વર, ખોખરા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો.

કેટલાય દિવસોના ઉકાળાટ બાદ અમદાવાદમાં મેઘ રાજાએ એન્ટ્રી કરી હતી. અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ પડતા શહેરના અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં અંબાજી, નર્મદા, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ પડ્યો હતો.