ચોમાસું જામશેઃ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઇ તંત્ર સજ્જ

અમદાવાદ– હવામાન વિભાગે ગુજરાતમાં 25 જૂનથી 27 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. તંત્ર એલર્ટ થયું છે, અને માછીમારોને દરિયો ન ખેડવા જવા સુચના આપવામાં આવી છે. રવિવારે સવારે અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી પછી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે રવિવાર પછી અમદાવાદમાં વરસાદ નથી, જેને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. જો કે અમદાવાદ સિવાયના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.

અપર એર સાયકલોનિક સરક્યુલેશ સીસ્ટમ સર્જાતા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ થશે. હાલ વડોદરામાં કાળા ડિંબાગ વાદળો ઘેરાયા છે અને અંધારપટની સ્થિતી સર્જાઈ છે. ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ માટેના વાદળો ઘેરાઈ ચુક્યા છે. ગુજરાત સરકારે પણ તંત્રને એલર્ટ કરી દીધું છે, અને માછીમારોને દરિયો ન ખેડવા જવા સુચના આપી દીધી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, અને ભારે વરસાદથી એસટી બસ સેવા ખોરવાઈ છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે.