ભારે વરસાદની આગાહીઃ નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ૧૫ ટીમને એલર્ટ

ગાંધીનગર- ગુજરાતમાં ૨૪ કલાક દરમિયાન વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ વરસી રહયો છે. જે માટે વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ આભારી છે તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગૃપની સાપ્તાહિક મીટિંગમાં રાજ્યની વરસાદી સ્થિતિનું અવલોકન કરતાં સરકારે વધુમાં જણાવ્યું કે, સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમને કારણે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે, ક્યાંક ભારે વર્ષા પણ થઇ શકે. રાજ્યમાં આ વરસાદી માહોલ બે દિવસ સુધી ચાલુ રહેશે.

રાહત નિયામક એમ.આર.કોઠારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ૧૫ ટીમને એલર્ટ કરાઇ છે, જે પૈકી અમરેલી, બનાસકાંઠા, જામનગર, સુરત, વલસાડ અને તાપી એમ છ સ્થળે એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે વધારાની છ ટીમ વડોદરા અને ૩ ટીમ ગાંધીનગર ખાતે સ્ટેન્ડ બાય છે. આ બેઠકમાં માર્ગ-મકાન, સિંચાઇ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વીજ કંપનીઓ, વાહનવ્યવહાર વગેરે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિભાગની સજ્જતા વિશે માહિતી આપી હતી. આ બેઠકમાં નાયબ રાહત નિયામક જી.બી. મુંગલપરા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]