દૂધની ડેરીઓ પર આ કારણે પડ્યાં રાજ્યવ્યાપી દરોડા

અમદાવાદ– આકરા તાપથી હાંફતાં હાંફતાં દૂધની બનેલી ઠંડાઇ પીવાની ઇચ્છા થાય તો થંભી જજો. તેમણે ચેતવાની જરુર છે. માર્કેટમાં આજકાલ મળી રહેલાં ઠંડાપીણાં અને દૂધની બનાવટોમાં મોટાપાયે ભેળસેળના કિસ્સા સામે આવ્યાં છે. જેને લઇને સરકારના આરોગ્યવિભાગ દ્વારા મોટાપાયે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આજે રાજ્યભરમાં આરોગ્યવિભાગ દૂધની ડેરીઓ ઉપર દરોડા પાડી રહ્યું છે. અત્યાર સુધીમાં 40થી વધુ દૂધ ઉત્પાદકોને ત્યાં આરોગ્યવિભાગે તડી બોલાવી છે.

આ કાર્યવાહી માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 60 જેટલી ટીમો બનાવી દૂધ ઉત્પાદકોના ત્યાં દૂધના સેમ્પલ લીધાં હતાં. લગભગ એક મહિના પહેલાં આરોગ્યવિભાગે રાજ્યવ્યાપી અભિયાન હાથ ધર્યું હતું. જેમાં 70 ટકા દૂધમાં પાણીની ઇતિશય ભેળસેળ જોવા મળતાં વિભાગ ચોંકી ઉઠ્યો હતો. વિવિધ ટીમો દ્વારા અલગ અલગ સ્થાનિક ડેરીઓ ઉપર ટીમોએ ચકાસણી દૂધના સેમ્પલ લીધાં હતાં. દૂધના સેમ્પલોને લેબમાં મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથધવામાં આવશે.ગાંધીનગર આરોગ્ય ખાતાના આદેશને પગલે નાનામોટા અનેક શહેરોમાં દરોડાની કાર્યવાહી કરાઇ છે. આરોગ્યવિભાગને અનેક ફરિયાદો મળી હતી કે વેપારીઓ વધારે નફો રળવા દૂધની બનાવટોમાં મોટીમાત્રામાં ભેળસેળ કરી રહ્યાં છે. આજે પંચમહાલ, જૂનાગઢ, વડોદરા સહિતના ઘણાં શહેરોમાં આરોગ્યવિભાગે વહેલી સવારથી જ તપાસ હાથ ધરી છે.

એક મહિના કરાયેલી આવી કાર્યવાહીમાં જાણવા મળ્યાં પ્રમાણે 40 જેટલા ભેળસેળીયા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં 250 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તેમાં 70 ટકા દૂધમાં પાણીની અતિશય ભેળસેળ સામે આવી હતી.