મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઈલ નિયમ રદ કરવા હાઈકોર્ટનો ઈનકાર

અમદાવાદઃ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઈલ અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ડોમિસાઈલના નિયમને રદ્દ કરવા મામલે ઈનકાર કર્યો છે. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે નિવાસી હોય તેવા વિદ્યાર્થીઓને 85 ટકા બેઠકો માટે અનામત રાખવા માટે રાજ્ય સરકારે ઘડેલા નિયમને રદ કરવા ગુજરાત હાઈકોર્ટે ઈનકાર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, ધોરણ 10-12 ગુજરાતમાં કરેલું હોવું જરૂરી અંગે રાજ્ય સરકારે બનાવેલો નિયમ યોગ્ય છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ડોમિસાઈલ સર્ટિફિકેટ ફરજિયાત કર્યું હતું. આ નિયમ પ્રમાણે ગુજરાતમાંથી ધોરણ-10 અને ધોરણ-12 પાસ કર્યું હોય, તેમજ ગુજરાત ડોમિસાઈલ હોય તેવાં વિદ્યાર્થીઓને પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આ નિયમને કારણે ગુજરાત ડોમિસાઈલ હોય પરંતુ ધોરણ-10 કે ધોરણ-12 ગુજરાતમાંથી પાસ ન કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા પાત્ર રહેતા નથી. આ નિર્ણય સામે અનેક વિદ્યાર્થીઓના વાલીઓ હાઈકોર્ટમાં ગયા હતા.

પહેલા નિયમ હતો કે મેડિકલમાં પ્રવેશ માટે અગાઉ, માત્ર ધોરણ 10 અને 12 ગુજરાતમાંથી પાસ કર્યું હોય તેમને પ્રવેશ આપવો. અત્યાર સુધી ખાનગી કોચિંગ ક્લાસીસના સંચાલકો બહારના રાજ્યોના વિદ્યાર્થીઓને માત્ર ધોરણ 10 અને 12 ગુજરાતમાંથી પાસ કરાવીને મેડિકલમાં પ્રવેશ અપાવવાનું નેટવર્ક ચલાવતાં હતા. પરિણામે સ્થાનિક વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો. બાદમાં તેની જગ્યાએ ગુજરાત સરકારે નવો નિયમ લાગુ કર્યો છે.

હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા મામલે ગુજરાતના ઉપમુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે 15 ટકા બેઠક અનામત હોય છે પરંતુ ગુજરાતની 85 ટકા અનામત બેઠક પર રાજ્યની બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હતો. આ ક્વોટા પર ગુજરાતના જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે ડોમિસાઇલનો કાયદો ઘડ્યો હતો. અમુક લોકોએ બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા માટે કોર્ટમાં કેસ કર્યો હતો. હવે કોર્ટના આદેશ પ્રમાણે રાજ્યમાંથી જ ધોરણ-10 અને ધોરણ-12 પાસ કર્યું હશે તેને જ પ્રવેશ મળશે. હાઈકોર્ટે ચૂકાદો આપી દેતા હવે મેડિકલ પ્રવેશમાં સ્થાનિકોને પ્રાધાન્ય મળશે.”