હરેન પંડ્યા હત્યાકેસમાં સુપ્રીમે 12 આરોપીઓને દોષિત ઠરાવ્યાં, ચૂકાદો પલટ્યો

અમદાવાદ- ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાની હત્યા કેસમાં 12 વ્યક્તિઓને નિર્દોષ છોડી દેવાના ગુજરાત હાઈકોર્ટના ચૂકાદા સામે સીબીઆઈ અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે સુપ્રીમે ચૂકાદો આપતાં હરેન પંડ્યા હત્યા કેસના 12 આરોપીઓને દોષિત જાહેર કર્યાં છે.

હત્યા મામલે કરવામાં આવેલા ફ્રેશ ઈન્વેસ્ટિગેશન પર ધ્યાન રાખવા જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચ સમક્ષ સેન્ટ ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (CPIL) નામના એનજીઓ દ્વારા PIL દાખલ કરવામાં આવી હતી. આજે આ કેસમાં સુપ્રીમના જસ્ટિસ અરુણ મિશ્રા અને વિનીત સરણની ડિવિઝન બેન્ચે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.

આ કેસમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીઓને દોષમુક્ત કરવામાં આવતા ચૂકાદાની ફેર સમીક્ષા માટે રાજ્ય પોલીસ અને સીબીઆઈ દ્વારા 29 ઓગસ્ટ 2011ના રોજ અપીલ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ કેસમાં 12 વ્યક્તિ સામેના આરોપોને પડતા મૂકીને તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા હતાં. જોકે, હાઈકોર્ટે હત્યાના આરોપમાં 12 વ્યક્તિને દોષમુક્ત કરતી વખતે, ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદામાં હત્યાનો પ્રયાસ અને આતંકવાદ વિરોધી ધારા (પોટા) હેઠળના ગુનાઓ માટે દોષિત ઠેરવવાના નિર્ણયને સમર્થન આપ્યું હતું.

મહત્વનું છે કે, હરેશ પંડયા ગૃહપ્રધાન હતાં અને અમદાવાદ લો ગાર્ડન વિસ્તારમાં સવારે મોર્નિગ વોક કરતી વખતે જાહેરમાં તેમની હત્યા કરી દેવાઈ હતી. સીબીઆઈ તપાસ મુજબ તેમની હત્યા ગુજરાતમાં 2002ના તોફાનોને કારણે કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]