હાર્દિક જામનગરથી ચૂંટણી લડશે તો ભાજપ મજબૂત રણનીતિ ઘડશે

અમદાવાદ- લોકસભાની ચૂંટણીની રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા મેદાનમાં ઉતરી ગયા છે. કોંગ્રેસની અમદાવાદ ખાતે યોજાયેલ વર્કિંગ કમિટીની બેઠકમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઇ ગયો છે. હાર્દિક જામનગરની બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે મેદાને ઉતરશે તો ત્યારે ભાજપ દ્વારા હાર્દિકને ચોતરફથી ઘેરવાની રણનીતિ બનાવી છે.

ગુજરાત કોંગ્રેસના એક પછી ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. જામનગરથી લડશે તો હાર્દિક પટેલને ચોતરફથી ઘેરવા માટે અમિત શાહે રણનીતિ ઘડી છે.

જામનગરની  બેઠક પર સૌથી મોટી સંખ્યામાં પાટીદારો છે. બીજુ કારણ ગત વિધાનસભામાં જામનગરમાંથી 7માંથી 4 બેઠકો કોંગ્રેસ જીતી હતી. જ્યારે ત્રીજુ કારણ છે પૂર્વ સાંસદ વિક્રમ માડમે લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. જેથી કોગ્રેસ હાર્દિકને જામનગરથી ચૂંટણી લડાવે તેવી શક્યાતાઓ વધી ગઈ છે.

તો બીજી તરફ સુત્રોના જણાવ્યા અનુસાર વિક્રમ માડમે હાર્દિક પટેલને ટિકિટ આપવા માટે ભલામણ કરી હતી. આ બેઠક પર મુસ્લિમો અને દલિતોની વસ્તી પણ મોટા પ્રમાણમાં છે, જેનો લાભ હાર્દિક પટેલને મળે તેવી શક્યાતા છે.