હાર્દિકે આમરણ ઉપવાસના 9મા દિવસે ચક્ષુદાનની જાહેરાત કરી

અમદાવાદ – પાટીદાર અનામત અને ખેડૂતોને દેવામાંથી માફી આપવાના મુદ્દે અહીં ગઈ 25 ઓગસ્ટથી આમરણ ઉપવાસ પર ઉતરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે એની ઈચ્છા વ્યક્ત કરી છે.

હાર્દિકે એની પ્રોપર્ટીનું એના માતા-પિતા, એક બહેન, 2015ના અનામત આંદોલનમાં માર્યા ગયેલા 14 યુવાનો તથા પોતાના વતનના ગામ નજીક આવેલી એક પાંજરાપોળમાં વિભાજન કરી દીધું છે.

હાર્દિક જ્યાં આમરણ ઉપવાસ પર ઉતર્યો છે તે એના અત્રેના નિવાસસ્થાન નજીક પત્રકારો સાથેની વાતચીતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS)ના પ્રવક્તા મનોજ પનારાએ કહ્યું કે, હાર્દિક પટેલે એનું મૃત્યુ થઈ જાય તો એની આંખોનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ઉપવાસ પર ઉતરેલા હાર્દિકને તૃણમુલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ સહિત અનેક રાજકીય પક્ષોના નેતાઓ આવીને મળી ગયા, પણ ભાજપની સરકારમાંથી હજી કોઈ એને મળવા આવ્યું નથી.

પનારાએ એવો દાવો કર્યો છે કે હાર્દિક પટેલની તબિયત લથડી રહી છે. એણે છેલ્લા 9 દિવસમાં જરાય અન્ન ખાધું નથી. છેલ્લા 36 કલાકથી તો એણે પાણી પણ પીધું નથી.

પોતાની બગડી રહેલી તબિયતને ધ્યાનમાં લઈ ડોક્ટરે આપેલી સલાહ પર વિચારણા કરીને હાર્દિકે પોતાનું વિલ તૈયાર કર્યું છે. એ વિલ અનુસાર, હાર્દિક પાસે એના બેન્ક એકાઉન્ટમાં રૂ. 50 હજાર છે. એમાંથી રૂ. 20 હજાર એના માતાપિતાને મળશે અને બાકીનો ભાગ ગુજરાતમાં એના વતન ગામ નજીક આવેલી એક પાંજરાપોળને મળશે.