પાટીદાર મુદ્દે કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ખુલ્લેઆમ સમર્થન કરનારા પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસથી નારાજ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી બાદ પાટીદારો પર કોંગ્રેસનું ઠંડુ વલણ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના સમર્થનના કારણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સારી મદદ મળી હતી.જોકે બજેટ સત્રમાં કોંગ્રેસ તરફથી પાટીદારોના હક્કને લઈને સવાલ ન ઉઠાવવા મામલે અને અન્ય પ્લેટફોર્મ પર પણ પાટીદારો મામલે કોંગ્રેસની ચૂપ્પીથી હાર્દિક પટેલ નારાજ છે. આવું એટલા માટે કારણ કે હાર્દિક પૂરી રીતે કોંગ્રેસની સાથે રહ્યો છે. તો આ સીવાય એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે હાર્દિક જેવોજ 25 વર્ષનો થઈ જશે ત્યારે કોંગ્રેસમાં જોડાઈ જશે.

પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા યુવાનો અને જેના પર દેશદ્રોહ લાગ્યો છે તેવા યુવાનોનો મુદ્દો વિધાનસભામાં ન ઉઠાવવાને લઈને થોડા સમય પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. આ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના મૌનને લઈને હાર્દિકે સવાલો ઉઠાવ્યા હતા.

વિધાનસભા ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલે યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણીને અમરેલીની સીટ પરથી જીતાડવા માટે ખુબ મહેનત કરી હતી. ત્યાર બાદ વિપક્ષના નેતા બનાવવા માટે પણ હાર્દિકે કોગ્રેસના નેતા કુંવરજી બાવળીયા સામે પરેશ ધાનાણીને સાથ આપ્યો હતો. હાર્દિકે પરેશ ધાનાણીને આટલો સાથ આપ્યા બાદ પણ પરેશ ધાનાણી પાટીદારોના મામલે વિધાનસભામાં ચુપ છે તેને લઈને હાર્દિક પટેલ નારાજ જોવા મળી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]