હાર્દિકની નિતિન પટેલને ઓફરઃ સન્માન ન મળે તો કોંગ્રેસમાં આવી જાવ

અમદાવાદ– ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતીન પટેલ વચ્ચે ખાતાની ફાળવણીની લઈને વિવાદ થયો છે. નિતીન પટેલની નારાજગી ઉડીને સામે આવી છે. ગઈકાલે તેઓ ઓફિસમાં પણ આવ્યા ન હતા, અને મિડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું. આ સંજોગોમાં પાટીદારન નેતા હાર્દિક પટેલે નિતીન પટેલને તેમની સાથે જોડાઈ જવા આમંત્રણ આપ્યું છે, હાર્દિકે કહ્યું છે કે ભાજપમાં નિતીન પટેલનું સન્માન ન હોય તો તે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

પાટીદાર નેતા હાર્દિક પટેલનું કહેવું છે કે નિતીન પટેલ માટે તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે વાત કરશે, કે જેનાથી તેમને યોગ્ય જગ્યા મળે અને તેમની શાખ પર કોઈ સવાલ ન ઉભો થાય. જો નિતીનભાઈ 10 ધારાસભ્યો સાથે ભાજપ છોડવા તૈયાર થઈ જતા હોય અમે કોંગ્રેસમાં તેમને ઉચ્ચ હોદ્દા માટે વાત કરીશું. હાર્દિકે આ વાત બોટાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતીની બેઠક પહેલા કરી હતી. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન અને ગુજરાતમાં ભાજપ સરકાર રચાયા પછીની સ્થિતીની ચર્ચા કરવા માટે યોજાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નિતીન પટેલ ખાતાની ફાળવણીથી નારાજ થયા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડેપ્યુટી સીએમ નિતીન પટેલ પાસેથી નાણા, શહેરી વિકાસ અને પેટ્રો-કેમિકલ વિભાગ જેવા મહત્વના ખાતા લઈ લેવામાં આવ્યા છે. અને ડેપ્યુટી સીએમને પરચુરણ ખાતા આપ્યા છે. નાણા ખાતુ સૌરભ પટેલને અપાયું છે, જ્યારે શહેરી વિકાસ અને પેટ્રોકેમિકલ ખાતા સીએમ રુપાણીએ પોતાની પાસે રાખ્યા છે. જે પછી સૌપ્રથમ કેબિનેટની બેઠકમાં ડખો થયો હતો, અને કેબિનેટની બેઠક ચાર કલાક મોડી શરૂ થઈ હતી. પણ નિતીન પટેલની નારાજગી બીજા દિવસે ત્યારે સામે આવી તે તેઓ શુક્રવારે ઓફિસ આવ્યા ન હતા.