અલ્પેશ ઠાકોરની હાર્દિકને સંયમ રાખવાની સલાહ…

અમદાવાદ-  લોકસભાની ચૂંટણીનો પ્રચાર એના અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલને કડવો અનુભવ થયો છે. હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને લાફો મારી દીધો હતો. જે બાદમાં હાર્દિકની સભામાં મારામારી થઈ હતી. હાર્દિક ઉપર થયેલા હુમલા અંગે કોંગ્રેસમાંથી છેડો ફાડનાર અને એક સમયે હાર્દિક પટેલના સાથીદાર માનવામાં આવતા અલ્પેશ ઠાકોરે હાર્દિક પટેલને સંયમ રાખવાની સલાહ આપી હતી.

હુમલા અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ ઘટના નિંદનીય છે. જે યુવકે હુમલો કર્યો હતો એને પણ હું વખોડું છું, ત્યારબાદ યુવકને માર મરાયો તેને પણ વખોડું છું. રાજનીતિનું સ્તર કઇ જગ્યાએ અને કેટલી હદ સુધી નિમ્ન કક્ષાએ જઇ રહ્યું છે એ આ બનાવ દર્શાવે છે. જાહેર મંચ ઉપર બનેલી આ પ્રકારની ઘટનાને હું વખોડું છું.

અલ્પેશે જણાવ્યું હતું કે, આ ઘટનાની તટસ્થ તપાસ થવી જોઇએ. આંદોલન સમયે હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદનોના કારણે તેમના સમર્થકો ઉશ્કેરાયા અને હિંસા ફાટી નીકળી, બસો સળગાવવામાં આવી, મોલમાં તોડફોળ. આ હીંસામાં 14 લોકોના મોત થયા છે એનું દુઃખ હોવું જોઇએ.

14 લોકોના મોતની જવાબદારી કોની એ અંગે અલ્પેશ ઠાકોર જણાવ્યું હતું કે, આંદોલનકારી તરીકે લોકો આપણા વિચારો અને વર્તનને અનુસરતા હોય છે. તો હું એવું માનું છું કે, 14 લોકોના મોતની જવાબદારી આંદોલનકારી તરીકે હાર્દિક પટેલની ગણી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે આ હુમલો કરાવ્યો હોવાનો હાર્દિક પટેલે આક્ષેપ લગાવ્યો છે. હુમલા બાદ હાર્દિક પટેલે વઢવાણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. હાર્દિકના કહેવા પ્રમાણે તેણે ફક્ત જાણવાજોગ અરજી આપી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]