અમદાવાદઃ ઘરમાં નજરકેદની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં હાર્દિકની ધા

અમદાવાદ- અનામતની માગણી સાથે અનશન પર બેઠેલાં હાર્દિક પટેલના ઉપવાસનો મામલો કોર્ટને દ્વારે પહોંચ્યો છે. હાર્દિક પટેલના ઘરની બહાર લાગેલા પોલીસ પહેરાના મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.અરજીમાં જણાવાયું છે કે હાર્દિકને તેના જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ છે. હાર્દિકના ઘરે આવનજાવન કરનારા લોકોને કોઈપણ કારણ વગર ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાની અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ પહોંચવા નહીં દેવાતી હોવાની પણ ફરિયાદ અરજીમાં કરવામાં આવી છે.

આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની પણ માગણી કરવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતાં.

હાર્દિક પટેલની તબીબી તપાસમાં બ્લડ પ્રેશર નોર્મલ આવ્યું હતું. જોકે યુરિન સેમ્પલમાં ઉપવાસને લઇને એસિડિક રીપોર્ટ આવતાં તેમને હોસ્પિટલ્સમાં દાખલ થવાની સલાહ આપવામાં આવેલી છે. આજે પાંચમા દિવસે ઉપવાસને લઇને હાર્દિકને નબળાઇ વર્તાઈ રહી છે.