સોમનાથ સહિત રાજ્યના મોટા યાત્રાધામોમાં સૂર્યકૃપાનો લાભ લેવાશે

ગાંધીનગર-સૌર ઊર્જા જેવી બિનપરંપરાગત એનર્જીીનો ઝગમગાટ આગામી સમયમાં રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોની શોભા વધારતો જોવા મળશે. ગુજરાત સરકાર અંબાજી, સોમનાથ, દ્વારકા તથા શામળાજી અને બહુચરાજીના મંદિરોને સૌરઊર્જાના પ્રકાશથી ઝગમગાવશે.પ્રાયોગિક શરુઆતમાં આ પ્રયોગ સફળ રહ્યો તો ગુજરાતના કુલ 200 જેટલા મંદિરોમાં સૌર ઊર્જાની સુવિધા પ્રદાન કરાશે. આ તમામ મંદિરોમાં મહત્વના દિવસોમાં ખાસ લાઇટનિંગ પણ કરવામાં આવે છે, જેનો દરમહિને વીજબિલનો ખર્ચ 80 હજારથી 2 લાખ રૂપિયા જેવો થાય છે. આા જંગી વીજબિલનો ભાર પણ મંદિર ટ્રસ્ટો પરથી ઘટી જશે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડે 5 કરોડ રૂપિયાના ખર્ચે 200 મંદિરોમાં સૌર ઊર્જાની પેનલ લગાડવાનું નક્કી કર્યું છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં રુપિયા 1.40 કરોડ ખર્ચે 300 કિલો વોટ સૌરઊર્જા ઉત્પન્ન કરતી પેનલ લગાવવામાં આવશે સાથે અન્ય મંદિરોમાં પણ આ રીતે સૌર પેનલ લગાડવામાં આવશે. મંદિરના પાર્કિંગ, ભોજનાલય અને ધર્મશાળા તથા મંદિર પરિસરની ઓફિસને પણ સૌર વીજળી આપવામાં આવશે.અગાઉ સૌર ઊર્જાની પેનલો દ્વારા વીજળી મેળવી ભરૂચ અને મહેસાણાના સર્કિટ હાઉસમાં વીજ બિલ ઘટાડવાનો પ્રયોગ સફળ રહ્યો છે જેને લઇને સરકાર દ્વારા અન્ય એવા સંસ્થાનો જ્યાં જંગી ઊર્જા વપરાશ થાય છે ત્યાં સૌર ઊર્જાનો વપરાશ વધારવા આગળ પગલાં લઇ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]