ગુજરાતીઓના હૃદયની ઉમર કેટલી વધુ? સ્ટડીનો ચોંકાવનાર જવાબ

અમદાવાદ– સ્વાસ્થ્ય સંદર્ભે થયેલાં એક રીપોર્ટમાં ગુજરાતીઓના હૃદય માટે એક નોંધપાત્ર તારણ બહાર આવ્યું છે. ગુજરાતના લગભગ 2500 વ્યક્તિઓના હૃદય વિશે કરાયેલાં સર્વેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતીઓના હૃદયની ઉમર તેમની વાસ્તવિક ઉમર કરતાં 10 વર્ષ વધુ હોય છે.

યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીની તબીબી ટીમે આ અભ્યાસ સર્વે કર્યો હતો. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના જર્નલ ક્યૂજેઓમમાં આ રીપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે.

સ્ટડીમાં જણાવાયાં પ્રમાણે 2483 સ્વસ્થ વ્યક્તિઓના વેસ્ક્યૂલર એજ પર સ્ટડી કરાયો હતો. જેના માટે ફ્રેમિંગમ વેસ્ક્યૂલર એજ કેલક્યૂલેટર વપરાશમાં લેવાયું હતું. તેમાં બ્લડ પ્રેશર, હાઇ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીઝ જેવી બાબતો ધ્યાનમાં રખાઇ હતી. કેલક્યૂલેશનમાં 9.5 વર્ષનું અતર જણાયું હતું એટલે કે ફિઝિકલ એજ કરતાં હૃદય 10 વર્ષ વધુ ઘરડું હતું.

ડૉક્ટરોના અનુમાન પ્રમાણે ગુજરાતીઓ હાઇ બીપી, હાઇ કોલેસ્ટ્રોલ અને પેટ પરની ચરબીના કારણે હાર્ડસંબંધિત સમસ્યાઓનો વધુ ખતરો ઉઠાવી રહ્યાં છે. મોટાભાગના ગુજરાતીઓ ત્રીસી વટાવતાં હૃદયરોગની સંભાવનાના ક્ષેત્રમાં આવી જાય છે.