આ રીતે મેડિકલ ટુરિઝમ અને ફાર્મામાં સંશોધન-વિકાસ કેન્દ્ર બનશે ગુજરાત

ગાંધીનગર– ગુજરાતના આંગણે પ્રતિ બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના આ વખતના નવમા ચરણ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આગામી 19 જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગરમાં હેલ્થકેર એન્ડ ફાર્માસ્યુટિકલ્સ સંદર્ભે ‘શેપીંગ એ ન્યૂ પેરાડાઈમ ઈન મેડીકલ એન્ડ ફાર્મા સર્વિસિસ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં કેન્દ્ર સરકારના આરોગ્યપ્રધાન જે.પી.નડ્ડા ખાસ ઉપસ્થિત રહીને હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગજગતના 500થી પણ વધુ પ્રતિનિધિઓને સંબોધન કરશે.ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય મેડિકલ અને ફાર્માસ્યુટીકલ્સ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે ત્યારે આ સેમિનારમાં હોસ્પિટલ અને ફાર્મા ક્ષેત્રે થઈ રહેલા નવીન સંશોધનો અને બદલાવની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત વર્તમાન સમયમાં ફાર્મા ઉદ્યોગ સાથે સંબંધિત વિવિધ તકોને વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવશે. આ સેમિનાર યોજવાનો મુખ્ય ઉદ્દેશ હેલ્થકેર અને ફાર્મા ક્ષેત્ર સાથે સંકળાયેલા પક્ષકારોને એક મંચ પર લાવી કાર્યક્ષમ નીતિ બનાવીને સામાજિક ઉત્થાનમાં ભાગીદાર બનાવાનો છે.

વૈશ્વિક પ્રતિનિધિઓ સાથે સ્થાનિક હોસ્પિટલ્સ-ફાર્મા ઉદ્યોગકારોની B2B બેઠકો યોજાશે

સાતત્યપૂર્ણ વિકાસ માટે સારું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. તુંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતા નાગરિકો જ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક જેવા ક્ષેત્રોમાં સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. ગુજરાત સરકાર રાજ્યના તમામ નાગરિકોને શ્રેષ્ઠ અને ઝડપી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં હેલ્થકેર ક્ષેત્ર માળખાગત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ટેકનોલોજી અને નવીન સંશોધનોથી તબીબી સેવાઓમાં સુધારો કરીને નાગરિકોને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વિશાળ તકો રહેલી છે.ફાઈલ ચિત્ર

અત્રે નોંધનીય છે કે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાત હંમેશાં અગ્રેસર રહ્યું છે, તેમજ છેલ્લા બે દશકથી દેશમાં થતા કુલ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં ત્રીજા ભાગથી વધુ હિસ્સો ધરાવે છે. ગુજરાત સ્થિત કંપનીઓ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી રહી છે, જેના પરિણામે સમગ્ર વિશ્વમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુજરાત આગવું સ્થાન બનાવવામાં સફળ રહ્યું છે.

આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતને મેડિકલ ટુરિઝમ હબ તરીકે વધુ મજબૂત રીતે પ્રસ્થાપિત કરવાનો છે. ગુજરાત પાસે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા તબીબો અને શ્રેષ્ઠ તબીબી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે, જેની મદદથી આપણે પશ્ચિમના દેશોની તુલનામાં વૈશ્વિક કક્ષાની ગુણવત્તાસભર સારવાર ખૂબજ વ્યાજબી ભાવે પૂરી પાડવા માટે સમર્થ બન્યા છીએ.

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં 19 જાન્યુઆરીના રોજ ‘આફ્રિકન ડે – આફ્રિકા દિવસ’ની પણ ઉજવણી કરવામાં આવનાર છે. આ સમિટમાં આરોગ્ય વિભાગ દ્વારા આફ્રિકાના પ્રતિનિધિ મંડળ માટે હોસ્પિટલ અને ફાર્માસ્યુટિકલ મેન્યુફેકચરિંગ એકમો ખાતે મુલાકાતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આફ્રિકાના હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા 50થી વધુ પ્રતિનિધિઓ સ્થાનિક હોસ્પિટલ અને ફાર્મા ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે B2B and B2G બેઠકો પણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 18 થી 22 જાન્યુઆરી 2019 દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આરોગ્યલક્ષી વિશેષ પેવેલિયનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પેવેલિયનમાં રાજ્યની નામાંકિત હોસ્પિટલ અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઉપરાંત કેન્દ્ર સરકારની આરોગ્ય વિષયક મહત્વકાંક્ષી યોજના જેવી કે આયુષ્યમાન ભારત યોજના વિશે પ્રદર્શન પણ દર્શાવવામાં આવશે.

આ સેમિનારમાં પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ રિસર્ચના સચિવ અને આઈસીએમઆરના ડિરેક્ટર જનરલ પ્રોફેસર બલરામ ભાર્ગવ, આયુષ્યમાન ભારતના સીઈઓ ડૉ. ઈન્દુ ભૂષણ, ભારત સ્થિત યુનિસેફના પ્રતિનિધિ ડૉ. યાસ્મીન અલી હક, યુ.એસ.એફડીએના ભારત ખાતેના પ્રતિનિધિ ડૉ. લેટેટિયા રોબિન્સન (Dr. Letitia Robinson), શેલ્બી લિમિટેડના ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ શાહ, એપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઈઝ લિમિટેડના વાઈસ ચેરપર્સન ડૉ. પ્રીથા રેડ્ડી, બીડીઆર ફાર્માસ્યુટિકલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના સીએમડી ધર્મેશ શાહ તેમજ એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યુટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડિઓલોજીસ્ટ ડૉ. તેજસ પટેલ ઉપસ્થિત રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]