રાજ્યમાં સવારથી વાદળછાયું વાતાવરણ, ઠંડી ઘટતાં રાહત તો ખેડૂતોને માવઠાંની બીક

0
1951

અમદાવાદ– કડકડતી ઠંડી બાદ રાજ્યમાં ઠંડીનો પ્રકોપ હળવો પડ્યો હતો. જોકે આજે સવારથી અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના પગલે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થઇ થયો છે. બીજી તરફ માવઠું થવાની સંભાવનાને લઇને ખેડૂતોમાં ચિંતા થઈ રહી છે. હવામાનમાં પલટાનું કારણ સાયક્લોનિક સરક્યૂલેશન છે.

સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાતા ઠંડીમાં આંશીક રાહત થઇ છે. જેથી શહેરીજનોએ હાડથીજવતી ઠંડીમાંથી રાહત અનુભવી હતી. છેલ્લા બે દિવસથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો ઉચકાતાં હાડ થીજવતી ઠંડીમાં નજીવો ઘટાડો નોંધાયો છે.

8 અને 9 ડિગ્રી તાપમાનમાં ઠુંઠવાઇ ગયેલા લોકોને તાપમાનનો પારો ઉચકાતા રાહત મળી છે. રવિવારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 13.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડીસાનું તાપમાન પણ 11.9 ડિગ્રી નોંધાતા ઠંડી ઘટી હતી.બીજી તરફ દિવસે ફૂંકાતા ઠંડા પવનનું જોર પણ ઘટ્યું છે. જોકે, આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતાઓ નહિવત હોવા શક્યતા છે

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અરવલ્લી, મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાદળછાયું વાતાવરણ સર્જાતા માવઠું થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે. તો ઠંડીમાંથી રાહત મળવાના કારણે રાહતની લાગણી પણ જોવા મળી હતી.