ગુજરાત વિધાનસભાનું વચગાળાનું બજેટ સત્ર 18મી ફેબ્રુઆરીએ શરૂ થશે

અમદાવાદ- હવે દેશભરમાં બજેટની ચર્ચા થઈ રહી છે. ગરીબ, મધ્યમ વર્ગ, માલદાર દરેકની નજર બજેટ પર છે કે, તે કેવું હશે. ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 18મી ફેબ્રુઆરીથી શરૂ થશે. લેખાનુદાન બજેટ હોવાના કારણે એક સપ્તાહ સુધી વિધાનસભા ચાલશે. લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન નીતિન પટેલ લેખાનુદાન (વચગાળાનું) બજેટ રજૂ કરશે.

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 18મી ફેબ્રુઆરીએ સોમવારથી શરૂ થશે. લોકસભાની ચૂંટણી હોવાને કારણે આ વખતે પૂર્ણ સમયનું બજેટ રજૂ કરવામાં નહીં આવે, પરંતુ વચગાળાનું બજેટ મુકાશે.

વચગાળાનું બજેટ પ્રથમ ચાર મહિના માટેનું હશે. લોકસભાની ચૂંટણી સંપન્ન થયાં બાદ ફરીથી બજેટ સત્ર મળશે, જેમાં બાકી રહેલા આઠ મહિનાનું બજેટ રજૂ કરાશે.

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રધાનમંડળની કેબિનેટની બેઠકમાં વિધાનસભાના સત્રની તારીખ અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ 18મી ફેબ્રુઆરીથી ટૂંકુ બજેટ સત્ર બોલાવવાનો નિર્ણય કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી હોવાથી નિયમ મુજબ વોટ ઓન એકાઉન્ટની એક સિસ્ટમ છે. પૂર્ણ બજેટ ઈલેક્શન પછી રજૂ કરવામાં આવશે. ચાર મહિના પૂરતા ખર્ચની વ્યવસ્થા માટેનું આ બજેટમાં આયોજન હોય છે. જેને વોટ ઓન એકાઉન્ટ કહેવાય છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]