વતનના સાંનિધ્ય અને કલાવારસાને માણવા આવી એનઆરજી યુવાઓની ટુકડી

ગાંધીનગર- રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાથી યુવા પેઢી વાકેફ થાય અને વતન પ્રત્યે વધુ આત્મીયતા વધારવા તામિલનાડુના એનઆરજી યુવાનો ગુજરાત આવી પહોંચ્યાં છે. ગુજરાત પરિભ્રમણ યોજના હેઠળ તામિલનાડુ રાજ્યના ૨૫ યુવાઓની પ્રથમ બેચ ગુજરાતના પ્રવાસે આવી છે. આ યુવાઓ રાજ્યની ઐતિહાસિક ધરોહર સમાન કલા, વારસો, ઐતિહાસિક સ્થળો તથા આતિથ્ય ભાવથી અત્યંત પ્રભાવિત થયાં છે.

ગુજરાત પરિભ્રમણ યોજના અંતર્ગત ગુજરાત પ્રવાસે આવેલા આ વિદ્યાર્થીઓને કૃષિ ગ્રામ વિકાસ રાજય પ્રધાન જયદ્રથસિંહ પરમારના હસ્તે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતાં.

પરમારે કહ્યું કે, ગુજરાત પરિભ્રમણ યોજના થકી વિવિધ રાજ્યોના યુવાનોને રાજ્યની વિકાસ યાત્રા નિહાળવાનો પણ અવસર પ્રાપ્ત થશે ત્યારે આવનારા સમયમાં તમામ રાજ્યોના યુવાઓ વધુને વધુ આ યોજનાનો લાભ લઇને રાજ્યના કલા વારસા, સંસ્કૃતિ તથા વિકાસ યાત્રાને માણે એ માટે ગુજરાતમાં સૌનું સ્વાગત છે.

અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓની યુવા પેઢીને પોતાના વતન સાથેનો નાતો વધુ સુદ્ઢ બનાવવાની આ યોજના હેઠળ ૧૦ દિવસની મુલાકાત લઇ રાજ્યની સંસ્કૃતિ, ઔદ્યોગિક પ્રગતિ, મહત્વની યોજનાઓ, શિક્ષણ, ઊર્જા, પ્રવાસન અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવવાની સાથે સાથે રાજ્યની ભાષા, હાથ વણાટ, રસોઇ કળાની જાણકારી આપવામાં આવી છે. જેના થકી તેઓ દ્વારા રાજ્યના વિકાસ – આતિથ્ય ભાવ તથા કલાવારસાનો તેઓના રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરશે.

ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ વિવિધ રાજ્યોના ૨૫ યુવાઓની બે બેચ દર વર્ષે રાજ્યની મુલાકાત લઇ પોતાના મૂળ સાથે જોડાશે. આ અંગે જે તે યુવાઓની બેચ રાજ્યમાં આવ્યા બાદની તમામ સુવિધા રાજ્ય સરકારે પૂરી પાડી છે જે અંતર્ગત આ ૨૫ યુવાઓની તામિલનાડુની પ્રથમ બેચ ગત ૨૪ ઓકટોબર-૨૦૧૮ દરમિયાન ૧૦ દિવસના રાજ્યના પ્રવાસે આવી છે.

આ યુવાનોની બેચને અમૂલ ડેરી આણંદ, મોઢેરા સૂર્ય મંદિર, લાયન સેન્સ્યુરી, ગીર, દેવળીયા પાર્ક, ધોળાવીરા, શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ માંડવી, વોટસન મ્યુઝિયમ રાજકોટ, વિન્ટેજ કાર કલેકશન ગોંડલ, સોમનાથ મહાદેવ દર્શન, સાઉન્ડ એન્ડ લેસર શૉ, સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ, સાયન્સ સીટી અમદાવાદ, મહાત્મા મંદિર અને દાંડી કુટિર ગાંધીનગરની મુલાકાત કરાવાઇ હતી જે જોઇને તમામ યુવાઓએ  અભિભૂત થઇને પ્રસન્નતા અનુભવી  હતી.