સિંહસુરક્ષા, અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તાર જમીન ઉપયોગ માટે CM બેઠક

ગાંધીનગર– ગીરના જંગલમાં સિંહોની સુરક્ષા મામલે ભારે ઉહાપોહ બાદ કેટલીક નવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. આ સંદર્ભે સરકાર દ્વારા સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧૪મી બેઠકમાં કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.આ બેઠકમાં અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઊદ્યાન વિસ્તારની જમીનના બિનજંગલ ઉપયોગ માટે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ મંજૂરી મેળવવાની ર૯ દરખાસ્તોમાં હયાત માર્ગ વિસ્તરણ અને મજબૂતીકરણ, ઇલેકટ્રિક લાઇન નાખવાની, ઓપ્ટીકલ ફાઇબર કેબલ નાખવા સહિતની બાબતો પણ ચર્ચા-વિચારણા માટે રજૂ કરવામાં આવી હતી.ગુજરાતમાં સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ સંવર્ધન અને રોગચાળામાં સઘન સારવાર માટે ગીરમાં અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાતની વૈશ્વિક ઓળખ એશિયાટિક લાયન માટે ગીર વિસ્તારના ૮ રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવામાં આવશે.

આ સમગ્ર કામગીરી માટે રુપિયા ૮પ કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત ૩ર રેપિડ રિસ્પોન્સ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાશે.સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી, વનપ્રધાન ગણપતસિંહ વસાવા સાથે વિભાગને અનુષંગે સંકળાયેલાં અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.ગીરના જંગલોમાં ડ્રોન સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી. નેટવર્ક દ્વારા સિંહ સહિતના વન્યપશુઓની રાત્રિ મૂવમેન્ટ-ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પણ સઘન આયોજન કરવામાં આવ્યું છે.ગીરમાં પણ કોરબેટ નેશનલ પાર્કની પેટ્રન પર E-Eye પ્રોજેકટ હેઠળ રાત્રિના સમયે પણ રાની પશુઓની ગતિવિધિ પર નજર રાખવા માટે સેન્સિટીવ કેમેરા ગોઠવવા વન વિભાગને જણાવવામાં આવ્યું હતું.સિંહોના લાંબાગાળાના સંરક્ષણ આયોજન માટે રૂ. ૩૫૧ કરોડની યોજનામાં નવી ટેકનોલોજી સાથેના પાંજરા, ડ્રોન, સી.સી.ટી.વી સર્વેલન્સ, આરોગ્ય વિષયક આંતરમાળખાકીય સુવિધાઓ અને અન્ય સાધનસામગ્રી વગેરે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.તાજેતરમાં વન્યપ્રાણીઓમાં દેખાયેલા રોગચાળા સંદર્ભમાં તકેદારીના પગલાં અને તત્કાલ સારવાર માટે આગામી સમયમાં સમયાંતરે એનિમલ હેલ્થ સર્વેલન્સ તેમજ લાયન એમ્બ્યુલન્સ અને ર૪ કલાક હેલ્પલાઇન માટેનું સૂચન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

વન્યપ્રાણી સૃષ્ટિ સાથોસાથ દરિયાઇ જીવ મરિન સૃષ્ટિના સંવર્ધન અને રક્ષણ માટે પણ વાઇલ્ડ લાઇફ બોર્ડનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.એ  જ રીતે ગુજરાતમાં ઘોરાડ અને ખડમોર સહિતની અન્ય લુપ્ત થતી જતી પ્રજાતિના પક્ષીઓ, વન્યપશુઓના સંવર્ધન માટે વિશેષ ધ્યાન આપવાની સૂચનાઓ અપાઈ હતી.

ગીરના જંગલોમાં ગેરકાયદે લાયન શોની બદીને કડક હાથે ડામી દેવા વન વિભાગ અને જિલ્લા પોલીસને સંયુકતપણે સર્તક રહેવા તથા આવું કૃત્ય કરનારાઓ સામે પાસા સુધીના કડક પગલાં લેવા પણ તાકીદ કરવામાં આવી હતી. વન્ય પ્રાણીપશુઓની સારવારસુશ્રુષા માટે વેટરનરી કેડર વધુ સક્ષમતાથી સજ્જ કરવા મેન પાવર ઉપલબ્ધ બનાવવાની અને સિંહની મૂવમેન્ટથી જાણકાર સ્થાનિક યુવા ટ્રેકર અને વન્યપ્રાણી મિત્રોના મહેનતાણામાં વધારો કરવા માટે યોગ્ય આયોજનનું પણ સૂચન થયું હતું.જીવદયા માટેના ગુજરાતના અભિનવ પ્રયોગ કરૂણા અભિયાન તેમ જ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સફળતા અને તેની અન્ય રાજ્યો માટેની મોડેલ રૂપ કામગીરી અંગે બેઠકમાં વિશદ વિમર્શ થયો હતો.