સ્ટેમ્પ સુધારા વિધેયક અને નોંધણી અધિનિયમ કાયદામાં સુધારો

ગાંધીનગર- મિલકત માલિકી હક્ક તબદીલીના વ્યવહારોમાં સુરક્ષા માટેના દસ્તાવેજી લેખો સ્ટેમ્પ ડ્યૂટી પાત્ર છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કંપની અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. નવા કંપની અધિનિયમો અનુરૂપ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમોનો સુધારો મહેસૂલપ્રધાન કૌશિકભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ કરતા સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું.કેન્દ્રીય કંપની અધિનિયમ અનુરૂપ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમમાં સૂચિત ફેરફારોથી કાયદાકીય વિવાદો ઘટશે અને મહેસૂલી આવક વધશે.નવા કંપની અધિનિયમોમાં સૂચિત સુધારામાં 2013 કંપની એક્ટમાં નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ NCLTની નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે. સાથો સાથે બેંકીંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ ભારતીય રીઝર્વ બેંક દ્વારા બેંકોના વિસર્જન તેમજ જોડાણ પર સ્ટેમ્પ ડ્યુટી વસુલ કરવાનો સુધારો થશે. જેથી, મર્યાદિત જવાબદારી ભાગીદારી મારફત વેપાર-ધંધા કરનારને કાયદાકીય પીઠબળ મળી રહેશે અને રાજ્ય સરકારને આવકનો સ્ત્રોત પણ મળશે.

વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં સ્ટેમ્પ ડયુટીના ફાળવેલ લક્ષ્યાંકથી વધુ ૫૭૬૭ કરોડની સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ફાળવેલ લક્ષ્યાંક ૭૧૦૦ કરોડની સામે આજદીન સુધી ૬૯૧૨ કરોડની આવક થયેલ છે.

નોંધણી અધિનિયમ સુધારા વિધેયક મંજૂર

નોંધણી માટે રજૂ થતા લેખોની તથા હાલ કબજા સાથેની પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત છે પરંતુ હવે નોટરી મારફત થતા પાવર ઓફ એટર્નીના આધારે ખોટા અને બનાવટી દસ્તાવેજોની નોધણી ઉપર નિયંત્રણ આવશે. સ્થાવર મિલકત વેચાણના કબજા સિવાયના પરંતુ સ્થાવર મિલકતના સંચાલન વ્યવસ્થા અને કોઈ પણ પ્રકારે તબદિલી કરતા પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત બનશે.

આ સુધારાથી મહેસૂલી અધિકારી દ્વારા આપવામાં આવતા વેચાણપત્રો જેવા કે કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર દ્વારા આપવામાં આવેલ વેચાણ પ્રમાણપત્રોની ફરજિયાત નોંધણીથી ખરીદનાર પક્ષકારને મિલકતના માલિકી હક્કની જાણ થશે અને ચોખ્ખા ટાઈટલ મેળવી શકશે.

આ સુધારાથી પક્ષકાર ઈન્ટરનેટ મારફત ઘેર બેઠા ઓનલાઈન સીસ્ટમથી દસ્તાવેજો સબમીટ કરી શકશે. જેથી પક્ષકારોના સમય તથા નાણાનો બચાવ થશે અને કામગીરીમાં સરળતા રહેશે. આ સૂચિત સુધારામાં ઈલેક્ટ્રોનિક સાધનો દ્વારા રજૂ થતા દસ્તાવેજોમાં પક્ષકારોની તપાસ તેના ભંગ માટે દંડનીય કાર્યવાહી હાથ ધરવાની જોગવાઈ કરવામાં આવી છે.

મહિલાઓના નામે થતા દસ્તાવેજોની નોંધણી ફીમાંથી મુક્તિ આપી છે તે અંતર્ગત ૨૦ લાખથી વધુ દસ્તાવેજ નોંધણીમાં રૂ. ૧૧૮૩.૦૦ કરોડથી વધુની નોંધણી ફી માફી આપવામાં આવી છે.વહીવટી સરળતા માટે રૂ. ૭ કરોડથી વધુના ખર્ચે ૧૯ જિલ્લામાં ૨૨ સબરજિસ્ટ્રાર કચેરીઓને મોડેલ કચેરીઓ તરીકે તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]