રાજ્યસભા ચૂંટણીઃ ક્રોસવોટિંગ, ‘ના’રાજીનામાં,ચૂંટણીપંચમાં ફરિયાદ, પરિણામ…..

ગાંધીનગરઃ પહેલાં ક્યારેય ન જોવાઈ હોય એવી ઉઠાપટકવાળી રાજ્યસભાની બે બેઠકની આજની પેટાચૂંટણી રહી છે. કોંગ્રેસના એમએલએ બાલારામ રીઝોર્ટથી સીધા મતદાન માટે લાવવામાં આવ્યાં તો પણ થનાર ઘટના થઈને રહી હતી. અલ્પેશ ઠાકોર અને તેમના સમર્થક ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ પણ કર્યું અને કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું પણ આપી દીધું એ આજની ચૂંટણીની રાજકીય તવારીખ બની ગઈ છે. તો કોંગ્રેસે ચૂંટણીપંચમાં ધા નાખી છે અને તેમના મત રદ કરવાની માગણી કરી છે. ચૂંટણીપંચે મોડીસાંજે નિર્ણય લીધાં બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતાં.જેમાં ભાજપના બંને ઉમેદવાર, એસ જયશંકર અને જુલ ઠાકોર 104-105 મતે વિજયી બન્યાં હતાં.

કોંગ્રેસના બંને ઉમેદવારને 70-70 મત અને એક વોટ રદ કરવામાં આવ્યો હતો.

ચૂંટણી ઘટનાક્રમ…

આજે રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે. સવારે નવ વાગ્યાથી મતદાન શરુ થયું, જે સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે. સાંજે સાડા ચાર કલાકે મતગણતરી યોજાશે. વિદેશપ્રધાન ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. ભાજપે ચૂંટણી મેદાને ઉતારેલા બંને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવી રહી છે, પણ ઔપચારીક રીતે મતદાન યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે એક લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રીકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે.

ભાજપમાંથી અત્યાર સુધીમાં ૩૦ ધારાસભ્યોએ મતદાન કર્યું. જેમાં 2 બીટીપીના ધારાસભ્યોએ મતદાન કર્યું. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મતદાન કર્યું.

રાજ્યસભાની ચૂંટણીના કોંગ્રેસના બંને ઉમેદવારો મતદાન મથક ઉપર પહોંચ્યાં હતા. કોંગ્રેસના ઉમેદવાર ગૌરાંગ પંડ્યાએ એનસીપીના કાંધલ જાડેજાના ભાજપના ટેકા અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો. તો ગૌરાંગ પંડ્યાએ પોતાની જીત નિશ્ચિત હોવાનો પણ દાવો કર્યો છે.

એસ.જયશંકર અને જુગલજી ઠાકોર જગન્નાથ મંદિરના દર્શન કરવા પહોંચ્યા. અહી તેમણે જીત માટે ભગવાન સામે પ્રાર્થના કરી હતી. ભગવાનના દર્શન કર્યા બાદ તેમણે આરતી પણ ઉતારી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું અહી દર્શન લેવા માટે આવ્યો છું. જુગલજી ઠાકોરે પણ ભગવાનની આરતી ઉતારી હતી.

તો ભાજપના રાજ્યસભાના ઉમેદવારો જુગલજી ઠાકોર અને એસ.જયશંકરે મુખ્યપ્રધાન સાથે મુલાકાત પણ કરી હતી.

કોંગ્રેસે ક્રોસ વોટિંગ મુદ્દે દિલ્હી ચૂંટણી પંચમાં કરી ફરિયાદ કરી છે. ત્યારે આ લખાય છે ત્યાં સુધીમાં મતગણતરી રોકવામાં આવી છે અને જ્યાં સુધી નિર્ણય નહી આવે ત્યાં સુધી મતગણતરી રોકાયેલી જ રહેશે. જેને લઇને પરિણામ પર પડદો પડ્યો છે.