કીકી ચેલેન્જ મામલે ગુજરાત પોલીસે આપી ચેતવણી

અમદાવાદઃ કીકી ચેલેન્જ અત્યારે વિશ્વભરમાં પોતાનો ભરડો લઈ રહી છે. આ ચેલેન્જમાં ચાલુ કારે ડાન્સ કરવાની ચેલેન્જ અપાય છે ત્યારબાદ ડાન્સ કરનારનો વીડિયો બનાવી તેને વાયરલ કરાય છે. આ ચેલેન્જને કીકી ચેલેન્જ કહેવાય છે. કીકી ડુ યુ લવ મી ગીતના આધારે ચેલેન્જ અપાય છે.

સ્પેન, યૂએસ, મલેશિયા અને યૂએઈ તેમજ દિલ્હી અને મુંબઈ પોલીસે લોકોને આ મામલે સતર્ક કર્યા હતા અને આ પ્રકારની કોઈ જ ચેલેન્જ ન સ્વીકારવા માટે સૂચના આપવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત પોલીસે પણ કીકી ચેલેન્જ મામલે એક ટ્વિટ કરીને જણાવ્યું છે કે લોકોએ આ પ્રકારની કોઈપણ ચેલેન્જ ન તો કોઈને આપવી અને ન તો કોઈની ચેલેન્જ સ્વિકારવી. ગુજરાત પોલીસે જણાવ્યું છે કે કીકી ચેલેન્જથી લોકો દૂર રહે, કારણ કે આ ચેલેન્જ તમને હોસ્પિટલ પહોંચાડી શકે છે.

કેનેડિયન રેપર ડ્રેકનું ગીત `કીકી ડુ યુ લવ મી’ હાલ દરેક જગ્યાએ ધૂમ મચાવી રહ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં લોકો ડાન્સ કરતા વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત પોલીસે પણ લોકોને ટ્વીટ કરીને વિનંતી કરી છે કે,કીકી ચેલેન્જથી લોકો દૂર રહે. કદાચ આ ચેલેન્જ તમને હોસ્પિલની પથારીએ પહોંચાડી શકે છે.

કીકી ચેલેન્જની વાત કરવામાં આવે તો કીકી ચેલેન્જમાં કાર ચલાવી રહેલા વ્યક્તિની બાજુની સીટ પર બેઠેલા વ્યક્તિએ કારમાંથી કૂદકો મારી નીચે ઉતર્યા બાદ ડાન્સ કરવાનો હોય છે અને તે વ્યક્તિ જ્યારે ડાન્સ કરી રહ્યો હોય ત્યારે ડ્રાઈવર ગાડી ધીમી ગતીએ ચલાવે છે અને વીડિયો શુટ કરે છે. અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં મુકીને અન્ય લોકોને આવું કરવાની ચેલેન્જ આપવામાં આવે છે. મહત્વનું છે કે વિશ્વમાં ઘણી જગ્યાએ કીકી ચેલેન્જ કરવા જતી વખતે અનેક અકસ્માતો સર્જાયા છે જેથી અત્યારે હાલ અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા આ ચેલેન્જ એક્સેપ્ટ ન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.