શસ્ત્ર સાથેની સિલમ્બમ માર્શલ આર્ટમાં ગુજરાતના ખેલાડીઓ ઝળક્યાં

અમદાવાદઃ શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વય એટલે ભારતીય સંસ્કૃતિ. જૂના સમયથી શાસ્ત્ર વિદ્યા સાથે શસ્ત્ર વિદ્યા શીખવાનું  પણ એટલું જ મહત્વ અપાયું છે. ફક્ત લડાઇ માટે જ નહીં, પરંતુ સ્વરક્ષણ તેમજ સ્વાસ્થ્ય-શરીર સૌષ્ઠવ માટે કેટલીક વિદ્યા ખૂબજ ઉપયોગી થઇ પડે છે. આવી જ એક શસ્ત્ર સાથેની માર્શલ આર્ટ ભારતમાં પ્રચલિત છે. સિલમ્બમ નામની શસ્ત્ર સાથેની આ વિદ્યા દક્ષિણ ભારતના તમિલનાડુમાં ખાસ પ્રચલિત છે.

ઓલ ઇન્ડિયા સિલમ્બમ એસોશિયેશન દ્વારા યોજાયેલ 15મી નેશનલ સિલમ્બમ ચેમ્પિયનશીપમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કર્યો  હતો. તામિલનાડુના તિરુચેનગોડે ખાતે યોજવામાં આવેલી આ સ્પર્ધામાં મિનિ સબ જૂનિયર, સબ જૂનિયર, અને સીનિયર પુરુષ-મહિલા વર્ગમાં 15 રાજ્યોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યના 9 ખેલાડીઓએ ભાગ લીધો હતો.


સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતની ટીમે પ્રથમ વખત ભાગ લીધો અને એક ગોલ્ડ, બે સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યા. મિનિ સબ જૂનિયર વિભાગમાં અમદાવાદની શાયોના સ્કૂલના કવિન પૂર્વેશ પટેલે ફ્રી સ્ટિકમાં અને હરિકેશ પાંડેએ વાલવીયુમાં સિલ્વર મેડલ મેળવ્યો. જ્યારે સબ જૂનિયર સ્ટિક ફાઇટમાં મેશ્વા પટેલ ગોલ્ડ મેડલ, ભૂમિ રાજપૂત,શ્રેયા રાવલ, વૈભવી પંડિત , રુપિન વડોદરિયા , પ્રત્યુષ ચાવડા અને સચિન પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યા.


(અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)