જાતિ અંગેનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરનારે છોડવી પડશે સરકારી નોકરી

ગાંધીનગર- રાજ્યના કેટલાક ભાગોમાં બનેલી ખોટા જાતિના દાખલાઓ અંગેની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. જાતિના ખોટા પ્રમાણપત્રોને આધારે અનામત પ્રથાને લાભ લેનારાઓ સાચા લોકોના બંધારણીય અધિકારોનો લાભ મેળવતા હતાં. આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિને ગુના તરીકે ઠેરવી તેનો સંપૂર્ણ નાશ કરવાના હેતુથી ગુજરાત સરકારના સંબધિત બે વિભાગો આદિજાતિ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંયુકત રીતે કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. આ કાયદાને હવે મંજૂરી મળી ગઈ છે.

રાજ્યના આદિજાતિ પ્રધાન ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રોના આધારે લાભ લેનારાઓને હવે કડકમાં કડક સજા કરવામાં આવશે. આ અંગેના કાયદાને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર મળી જતાં હવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે આકરા પગલા ભરવામાં આવશે.

ગુજરાત રાજયએ દેશનું એક માત્ર એવું રાજય છે કે જેના જાતિ અંગેના પ્રમાણપત્રના કાયદાને રાષ્ટ્રપતિએ મંજૂર કરેલ છે જેથી આ કાયદાનું મહત્વ અને અગત્યતા વધારે રહેશે.

આ કાયદાની મુખ્ય જોગવાઇઓની વિગતો આપતા વસાવાએ ઉમેર્યું હતું કે, જયારે કોઇ ST/SC/OBC ઉમેદવારોની પસંદગી સરકારી નોકરીમાં થશે ત્યારે, શરૂઆતમાં જ તેના જાતિના પ્રમાણપત્રની ખરાઇ કરવામાં આવશે અને જો આવું જાતિ અંગેનું પ્રમાણપત્ર ખોટું સાબિત થશે તો તેણે નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે નહીં અને જેઓ નોકરી કરે છે તેઓનું જાતિ પ્રમાણપત્ર ખોટું સાબિત થશે તો તેને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે. જો કોઇ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હશે તે પ્રવેશ રદ થશે અને તેની ડિગ્રી પણ કરી જપ્ત કરવામાં આવશે. જો કોઇ વ્યકિત આવા ખોટા જાતિના પ્રમાણપત્રને આધારે ચૂંટણી લડ્યો હશે તો તેનું ગ્રામ પંચાયતના સભ્ય, સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય અને સંસદસભ્ય તરીકેનું સભ્ય પદ પણ રદ કરવામાં આવશે.

આ ઉપરાંત જે વ્યકિતએ આવું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હશે તેને તેમજ તેવું ખોટુ પ્રમાણપત્ર આપનાર અને ખોટું પ્રમાણપત્ર મેળવવા માટે મદદ કરનારને ૩ વર્ષ સુધીની કેદની સજા તથા રૂા.૫૦,૦૦૦ સુધીનો નાણાકીય દંડ થશે. તથા આવા ખોટા પ્રમાણપત્રના આધારે તેમણે મેળવેલ શિષ્યવૃત્તિ, પગાર વગેરે જેવા લાભો પણ જમીન મહેસુલની બાકી તરીકે તેની પાસેથી વસુલવામાં આવશે. આ પ્રમાણપત્રોની ખરાઇ ચકાસણી સમિતિ દ્વારા કરવામાં આવશે તથા તે અંગેના નિર્ણયને નામદાર હાઇકોર્ટમાં જ પડકારી શકાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]