ક્રાઇમ રેકોર્ડ રીપોર્ટમાં ગુજરાતનો આ છે નંબર, સૂરત પોલિસને 10 લાખનું ઇનામ

ગાંધીનગર- સતત વધતાં જતાં ગુનાખોરીના પ્રમાણના આંકડાઓ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરવામાં આવે છે. તેમાં દેશના રાજ્યોની સ્થિતિની આંકડાકીય માહિતી પૂરી પાડવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ગુનાખોરીના કેસોમાં કયો નંબર છે તે એક રીપોર્ટમાં બહાર આવ્યું છે.આ આંકડાઓ જાહેર કરતાં વિધાનસભાગૃહમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે રાજ્યનું પોલિસદળ  ગુનાખોરી ઘટાડવા કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના અહેવાલ મુજબ રાજ્યમાં ધાડના બનાવોમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિએ અન્ય રાજ્યોની તુલનામાં હત્યામાં ૨૭માં ક્રમે, ખૂનની કોશિશમાં ૨૯માં ક્રમે, બળાત્કારના પ્રયાસમાં ૩૦માં ક્રમે તેમ જ અપહરણના ગુનાઓમાં ૨૩માં ક્રમે છે. જે NCRB ના તાજેતરના અહેવાલ મુજબ અન્ય રાજ્યોની સામે ગુજરાત પોલીસની કામગીરીથી ગુનાખોરી ઘટી હોવાનું દર્શાવે છે.

તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ આણંદ જિલ્લામાં વર્ષ-૨૦૧૬માં અને વર્ષ-૨૦૧૭માં ખૂન, લૂંટ, ધાડ, અપહરણ અને બળાત્કારના બનાવોમાં અનુક્રમે ૫૦૫ તેમજ ૨૮૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ભાગવાની ઘટનાઓમાં છોકરીઓ અંગે વિવાદિત નિવેદન

આ દરમિયાન પ્રદીપસિંહે સગીર છોકરીઓ ગુમ થવાની બાબતે વિવાદી નિવેદન કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ૧૪ થી ૧૮ વર્ષના યુવકયુવતીઓ પ્રેમ પ્રકરણમાં લગ્ન કરવાના હેતુથી ભાગી જવાની ઘટનાઓ બને છે પરંતુ તેમના પરિવારજનો દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવે છે.

સૂરત પોલિસને 10 લાખનું ઇનામ

વિધાનસભા ગૃહમાં તાકીદની જાહેર અગત્યની બાબતમાં સૂરત ખાતે રૂા. ૧૨ કરોડના હીરાની લૂંટ બાબતે ગૃહ રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે પોલીસની સતર્કતાને લઇ આ લૂંટના આરોપીઓને પકડી તમામ મુદ્દામાલને પરત મેળવવામાં આવ્યા છે. પોલિસે સારા સંકલનને કારણે સી.સી.ટીવી ફૂટેજ તેમજ કોલ ડેટા રેકર્ડના આધારે આ સફળતા મેળવી છે એટલું જ નહીં આ આરોપીઓ અગાઉ બીજા ગુનાઓમાં સંડોવાયા હતાં તેનો પણ ભેદ સૂરત પોલીસ દ્વારા ઉકેલવામાં આવેલ છે.

સૂરત પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષાની મહત્વપૂર્ણ કામગીરીને બિરદાવી સુરત પોલીસને રૂા. ૧૦ લાખનું પ્રોત્સાહક ઇનામ સીએમ રુપાણીના હસ્તે આપવાનું  નક્કી કરવામાં આવ્યું છે.                  

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]