નામાંકિત શાયર જલન માતરીનું અવસાન

અમદાવાદ– ગુજરાતના નામાંકિત શાયર જલન માતરીનું અમદાવાદમાં અવસાન થયું છે. તેઓ 83 વર્ષની ઉંમરના હતા. તેમને છેલ્લા મહિનાઓથી શ્વાસની તકલીફ હતી. પણ આજે તેઓ બાથરૂમમાં અશક્તિને કારણે પડી ગયા હતા, ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ વધારે ઉંમરને કારણે તેમનું અવસાન થયું છે. આ સમાચારથી સાહિત્ય જગતમાં ઉંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

તેમના નિધનથી સાહિત્ય અને ગુજરાતી ગઝલક્ષેત્રે એક ન પુરાય તેવી ખોટ પડી છે.

જલન માતરીની આવતીકાલે તેમના મુળવતન ખેડા પાસેના માતર ગામે અંતિમ ક્રિયા થશે. જલન માતરીએ સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ પર નઝમ લખી છે, જે તેમની છેલ્લી કૃતિ હોવાનું જાણવા મળ્યું છે.

(1) મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી – જલન માતરી

(2) તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી. – જલન માતરી