અલ્પેશ કથીરિયાની દીવાળી જશે જેલમાં, 19મી પર ટળ્યો ચૂકાદો

અમદાવાદઃ રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાની દીવાળી જેલમાં જ જશે. જામીન અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં તેમને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી. આ મામલે હવે 19મી નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. જેને કારણે અલ્પેશ કથીરિયાને જેલમાં જ દીવાળી ઉજવવી પડશે.

હાઈકોર્ટમાં અલ્પેશ કથીરિયાના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારે કિન્નાખોરીમાં કેસ કર્યા છે. અલ્પેશે પોતાના સમાજ માટે અનામતની માગ કરી હતી, રાજદ્રોહ નથી કર્યો. સરકારે અનામત આંદોલન વખતના 45માંથી 39 કેસ પાછા ખેંચ્યા હોવાનું પણ વકીલ દ્વારા જણાવાયું હતું.

બીજી તરફ સરકાર દ્વારા અલ્પેશની જામીન અરજીનો વિરોધ કરાયો હતો. સરકારે રજૂઆત કરી હતી કે, અલ્પેશ અને તેના સાથીદારોએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતું. રાજ્યમાં અશાંતિ અને તનાવનું વાતાવરણ ઉભુ કર્યું હતું. હિંસા તેમજ તોડફોડ થઈ હતી. ભડકાઉ ભાષણો આપ્યા હતાં. ટેલિફોનિક કન્વર્ઝેશનના રેકોર્ડિંગ હોવાની સરકાર તરફથી રજૂઆત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ કેસની તપાસ ચાલી રહી છે અને ચાર્જશીટ દાખલ થઈ નથી, ત્યારે અલ્પેશને હાલ જામીનના આપવા જોઈએ તેવી સરકારે રજૂઆત કરી હતી. હવે બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટ 19મીએ શું ચૂકાદો આપે છે, તેના પર સૌની નજર રહેશે.