વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર: મીટર ભાડાં પરનો GST હાઈકોર્ટે કર્યો રદ

અમદાવાદ:  ગુજરાત હાઇકોર્ટે મીટરભાડું, મીટર સર્વિસ જેવી પૂરક સેવાઓ પર 18 ટકા જીએસટી રદ કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટના આ આદેશથી મીટર ભાડાં પરનો જીએસટી વીજળી કંપની લઈ શકશે નહીં અને જે ચાર્જ લીધો હશે તે પણ ગ્રાહકોને પરત કરવો પડશે.

ટોરેન્ટ પાવરે વીજળી સપ્લાય ઉપરાંત મીટર ભાડું, મીટરના ટેસ્ટિંગ ચાર્જિસ, નવા કનેકશનના એપ્લિકેશન ફી તેમજ ડુપ્લિકેટ બિલના સર્વિસ ચાર્જ ઉપર જીએસટી લાદતા કેન્દ્ર સરકારના પરિપત્રને હાઉકોર્ટમાં પડકાર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટે આ મામલે ચૂકાદો આપતા કહ્યું કે, પાવર સપ્લાય અને તેને લગતી આનુષાંગિક સેવાઓને મુક્તિ આપવી જોઇએ. જો મુખ્યસેવા પર જીએસટી ન હોય તો આનુષાંગિક સેવાઓ પણ જીએસટી મુક્ત હોવી જોઇએ. પાવર સપ્લાય કરતી કંપનીઓ અનુષાંગિક સર્વિસ પર જીએસટી લાગે તેવા નિર્ણય રદ કરતો ચૂકાદો આપ્યો હતો.

જેથી હવે વીજળી બિલની આનુષાંગિક સેવાઓ પર જીએસટી લાગશે નહીં. જેનો ફાયદો ટોરેન્ટ પાવર તેમજ અન્ય પાવર સપ્લાય કરતી તમામ કંપનીઓને લાગુ પડશે. વધારામાં સરકારે આ સિદ્ધાંતને ધ્યાનમાં લઇને જીએસટી પહેલાં જો સર્વિસ ટેક્સ લેવાયો હોય તો તે પણ રદ કરીને પરત કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012થી પાવર સપ્લાય કરતી કંપનીઓ દ્વારા ઉઘરાવામાં આવેલો સર્વિસ ટેક્સ અને ત્યાર બાદ જીએસટી લીધો હોય તે ગ્રાહકોને રિફંડ મળશે. આમ આ લાભ પાવર સપ્લાય કરતી કંપનીઓએ ગ્રાહકોને આપવો પડશે. કેન્દ્રના પરિપત્ર મુજબ વીજ કંપનીઓ પૂરક સેવાઓ પર જીએસટી લેતી હતી.

જે ગ્રાહકોને વીજળી બીલ 1 હજાર રૂપિયાનું હોય તેમાં રૂ. 400 મીટર ભાડાના લગાવામાં આવતા હતાં. તેના પર 18 ટકા લેખે રૂ. 72 મીટર ભાડું જીએસટી લેવામાં આવતું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]