ગ્રાન્ટેડ શાળાના ફિક્સ પગાર શિક્ષકોના પગારમાં થયો નોંધપાત્ર વધારો, એપ્રિલથી…

ગાંધીનગર– સરકારે લીધેલાં એક મહત્ત્વના નિર્ણયમાં ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષણ સહાયકોને માસિક રૂ.૩૧,૩૪૦ તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને રૂ.૩૮,૦૯૦ પગાર વધારો કરવામાં આવ્યો છે.આ જાહેરાત કરતાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું હતું કે ફિક્સ વેતનથી ફરજ બજાવતાં કર્મચારીઓના ઉચ્ચક વેતનમાં વખતોવખત વધારો કર્યો છે અને છેલ્લે સાતમાં પગારપંચમાં સ્કેલ ટુ સ્કેલના ધોરણે મંજૂર થયેલ પગાર ધોરણના ન્યુનતમ પગાર સમકક્ષ મુજબ ફીક્સ પગારના કર્મચારીઓને પગારનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો.

તેને કર્મચારીઓ દ્વારા બહોળો આવકાર મળ્યો છે, ત્યારે ફીક્સ પગાર ધરાવતાં ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પગારમાં રાજ્ય સરકારે નોંધપાત્ર વધારો કર્યો છે. જેમાં ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષણ સહાયકોને માસિક રૂ.૩૧,૩૪૦ તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને રૂ.૩૮,૦૯૦ પગાર ચુકવવાનો નિર્ણય કર્યો છે.

આ વધારાથી  રાજ્ય સરકારને વધારાનું રૂ.૭૮.૭૦ કરોડનું ભારણ થશે. આ લાભથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકના ૪૮૩૫ શિક્ષકો અને માધ્યમિક શિક્ષણ સહાયકના ૧૭૭૪ શિક્ષકો મળી કુલ-૬૬૦૯ શિક્ષકોને લાભ થશે.

નાયબ સીએમે ઉમેર્યુ કે, રાજય સરકાર દ્વારા ૭માં પગાર પંચનો અમલ કરવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલી ગ્રાન્ટેબલ સંસ્થાઓના વહીવટી કર્મચારીઓને તેનો લાભ પણ પુરો પડાયો છે. તે પૈકી ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક  શાળાના શિક્ષણ સહાયકો અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોને તેમને જે ફીકસ પગાર મળતો હતો, તેમાં એક સાથે ખૂબ મોટી રકમનો વધારો થતો હોવાથી તા. ૧૭.૧૦.૨૦૧૭થી ફિકસ પગારમાં વધારો કરતો નિર્ણય કરવામાં આવેલ હતો.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળ દ્વારા સરકારી શાળાના શિક્ષકોના ધોરણે સમકક્ષ પગાર વધારો આપવા મુખ્યપ્રધાન વિજય રુપાણી સમક્ષ કરાયેલ રજૂઆતને ધ્યાને લઇને, રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારી શાળાના શિક્ષણ સહાયકને આપેલ પગાર મુજબ તા.૦૧.૦૪.૧૯ થી ગ્રાન્ટેડ શાળાના માધ્યમિક શિક્ષણ સહાયકને રૂા. ૩૧૩૪૦/- અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને રૂા. ૩૮૦૯૦/- મુજબ ફિકસ પગાર આપવામાં આવશે. આ પગાર વધારાને અન્ય કોઇ હકક દાવા સાથે જોડવાનો રહેશે નહી.