બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવા ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી નિર્ણયો

ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમા દેશના સૌ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે. આ પ્રોજેક્ટ વધુ વેગવાન બનાવવા માટે તથા જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બને અને ખેડૂતોને વળતર પેટે યોગ્ય કિંમત મળે તે માટે રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે, એમ મહેસૂલપ્રધાન કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું.

મહેસૂલપ્રધાને રાજ્ય સરકારે લીધેલા આ મહત્વના નિર્ણયોની વિગતો આપતા કહ્યું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હાલમાં ચાલી રહેલ જમીન સંપાદન પ્રક્રિયામાં શહેરી વિસ્તાર સત્તા મંડળ/શહેરી વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ ગામડાઓના ખેડૂતોની વધુ વળતર મેળવવા રાજ્ય સરકારને રજૂઆતો મળી હતી. તેને ધ્યાને લઈને મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ મહત્વના નિર્ણયો કર્યા છે તે પૈકી આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા ઝડપથી થાય તે માટે શહેરી વિસ્તાર સત્તા મંડળ/શહેરી વિકાસ સત્તા મંડળને ગ્રામ્ય વિસ્તારનો લાભ મળશે. સાથે સાથે જે ખેડૂતોની જમીન સંપાદીત થશે ભારત સરકારની નીતિ મુજબ તેને બજાર કિંમતના શહેરી વિસ્તાર માટે બે ગણા અને ગ્રામ્ય વિસ્તાર માટે ચાર ગણી કિંમતનો વળતરનો લાભ મળશે. એજ રીતે સંમતિ એવોર્ડ માટે પણ જે મૂળ એવોર્ડની કિંમત હશે તેમાં વધારાના ૨૫ ટકા કિંમતના વળતરનો લાભ આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના સર્વ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રાજ્યના ૮ જિલ્લાના ૧૯૬ ગામોની અંદાજે ૬૮૧ હેકટર જમીન સંપાદન કરવા અંગેની કાર્યવાહી પૂરઝડપે ચાલી રહી છે અને તે પૈકી ૧૮૫ ગામોમાં જમીન સંપાદન માટેના બીજા તબક્કાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી બુલેટ ટ્રેનમાં સંપાદિત થનાર જમીન માલિકોને યોગ્ય કિંમતના વધારાના વળતરનો લાભ મળશે.

મહેસૂલપ્રધાન કૌશિકભાઈ પટેલે ઉમેર્યુ કે, જંત્રી કિંમત અંગેના નવી ફોર્મ્યુલા લાગુ પડતાં જમીન સંપાદન ધારા હેઠળ સંમતિ કરારથી જમીન આપવા તૈયાર હોય તેવા કિસ્સાઓમાં ખેડૂતોને વળતરની રકમ ચુકવતી વખતે જંત્રી કિંમતને ઈન્કમટેક્ષની ઈન્ડેક્સેશન ફોર્મ્યુલા લાગુ પાડવામાં આવશે. જેના કારણે વળતરની રકમમાં વધારો થશે.

–     જમીન સંપાદન પ્રક્રિયામાં શહેરી વિસ્તાર સત્તા મંડળ/શહેરી વિકાસ સત્તા મંડળના ગામોને ગ્રામ્ય વિસ્તારનો લાભ

–     જમીન સંપાદન પ્રક્રિયામાં આ નિર્ણય થવાથી ખેડૂતોને ચાર ગણા વળતરનો લાભ

–     સંમતિ એવોર્ડમાં મુળ એવોર્ડના ૨૫ ટકા વળતરનો વધારાનો લાભ

–     સંપાદન માટે વળતરની કિંમત નક્કી કરતી વખતે જંત્રી કિંમતની નવી ફોર્મ્યુલા લાગુ કરતાં વળતરની રકમમાં વધારો થશે