ગાંધીનગર– ગુજરાત સરકારે લીધેલા એક નિર્ણય મુજબ રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજજોડાણો વાળા ગ્રાહકોની બાકી લેણા રકમ પ્રત્યે ઉદાત્ત અભિગમથી માફી યોજના ર૦૧૭ અન્વયે જાહેરાત કરી છે.ઘરવપરાશના વીજ ગ્રાહકો -બીપીએલ અને એપીએલ- જો ૩ માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં પ૦ ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી અપાશે.
ખેતીવાડી ગ્રાહકોને પણ આ જ પ્રકારે જો ૩ માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં પ૦ ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ સરકાર આપશે. અન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો ૩ માસની અંદર મુદ્દલની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજમાં પુરેપુરી માફી મળશે.
રાજ્યના અંદાજે ૬ લાખ કરતા વધુ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને લગભગ રૂ.૧૧૩ કરોડથી વધુની રકમની વ્યાજ માફી અપાશે. આ નિર્ણયથી પ્રજાજનોને પોતાના નામે વીજજોડાણ મળશે. કોર્ટમાં કરવામાં આવેલ દિવાની દાવાઓ પાછા ખેંચી લેવામાં આવશે. તેમને પાછલી બાકી રકમની ચુકવણી સરળ હપ્તે કરવાની સવલત મળી શકશે તેમજ આ યોજના હેઠળ બીપીએલ અને નોન બીપીએલ ઘર વપરાશના ગ્રાહકો તેમજ ખેડૂતો બાકી વીજ બીલની પૂરેપૂરી રકમ નહીં પરંતુ પ૦ ટકા રકમ ભરી જવાબદારીમાંથી મુકિત મેળવી શકશે.