- રાજ્યભરમાં ૧૧૦ ખરીદ કેન્દ્રો પર ખરીદી થશે : રજીસ્ટર્ડ થયેલા ૩૬,૪૮૦ ખેડૂતો
- રાજ્યના રર જિલ્લાઓમાં ખરીદી થશે
- ખેડૂતોને કોઇપણ જાતની તકલીફ નહીં પડે તે માટે પુરતી તકેદારી રખાશે
- તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી : ૧રમી માર્ચથી ૪૦ કેન્દ્રો પરથી ખરીદાશે
ગાંધીનગર– ગુજરાતના મુખ્ય સચીવ ર્ડા. જે. એન. સિંઘે જણાવ્યું છે કે, રાજ્યમાં મગફળીના થયેલા મબલખ ઉત્પાદનના કારણે આ ખરીદી વધારવા માટે રજૂઆતો થતાં કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી તે સંદર્ભે વધારાની ૧ લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપી છે. જે ખરીદી 5મી માર્ચથી ૯મી માર્ચ દરમિયાન કરાશે.ગાંધીનગરથી મુખ્ય સચીવે રાજ્યના તમામ કલેકટર સાથે આ સંદર્ભે વિડીયો કોન્ફરન્સિંગથી પરામર્શ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
વધારાની એક લાખ મેટ્રીક ટન મગફળી ખરીદવા માટે ૩૬,૪૮૦ ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું છે. આ માટે રર જિલ્લામાં ૧૧૦ ખરીદ કેન્દ્રો શરૂ કરાશે. રાજ્ય સરકાર દ્વારા નાફેડના સહયોગથી બનાસડેરી, ગુજકોટ, ગુજકોમાસોલ, ગુજપ્રો અને સાબરડેરી દ્વારા આ ખરીદી થશે. ખેડૂતોને આ ખરીદી દરમિયાન કોઇપણ તકલીફ ન પડે તે માટે ગોડાઉન પર વિડીયોગ્રાફી તેમજ સી.સી.ટી.વી.ની વ્યવસ્થા કરાશે. ઉપરાંત ખરીદી થનાર મગફળીની ગુણવત્તા તેમજ તમામ વ્યવસ્થાઓ માટેનું સુપરવીઝન કરવા પણ મુખ્ય સચીવે સંબંધિતોને સૂચનાઓ આપી છે. રાજ્ય સરકારે અત્યાર સુધી ખેડૂતો પાસેથી ૯ લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરી છે.
મુખ્ય સચીવે જણાવ્યું કે, રાજ્યમાં તુવેરનું પણ ઉત્પાદન વધુ થયું હોઇ તુવરને પણ ટેકાના ભાવે ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તે માટે પણ પાંચમી માર્ચથી ૧રમી માર્ચ દરમ્યાન રજીસ્ટ્રેશન કરાશે અને ૧રમી માર્ચથી ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા જાણ કરાશે અને ૪૦ ખરીદ કેન્દ્રો પરથી આ ખરીદી થશે.