સરકારી નોકરી, ઘર અને 50 લાખનું વળતર આપો, SCનો બિલ્કિસબાનો કેસમાં આદેશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આપેલા એક ચૂકાદામાં બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં ગુજરાત સરકારને પીડિતા બિલ્કિસ બાનોને રૂ. 50 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. ઉપરાંત, પીડિતાને સરકારી નોકરી તેમ જ નિયમ પ્રમાણે રહેવાની જરૂરી સુવિધા પૂરી પાડવાનો પણ આદેશ પણ કર્યો છે.
બિલ્કિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિક પાંચ લાખ રૂપિયાનું વળતર યોગ્ય નથી. આથી તેના વળતરમાં વધારો થવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે બિલ્કિસ બાનો પર થયેલા સામૂહિક દુષ્કર્મ બાદ આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં નીચલી કોર્ટે 12 લોકોને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજ્યમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન રાધિકાપુરા ગામ ખાતે બિલ્કિસ પર સામૂહિક દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો હતો.આ કેસમાં આરોપી તરીકે જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિનચંદ્ર જોશી, કોસરભાઇ વોહાનિયા, બકાભાઈ વોહાનિયા, પ્રદીપ મરોડિયા, રાજુભાઈ સોની, રમેશ ચંદાના અને મીતેશ ભટ્ટના નામ આપવામાં આવ્યાં હતાં. આ તમામ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસને બાદમાં મુંબઈ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુંબઈ હાઇકોર્ટે પણ તમામ આરોપીઓની સજા યથાવત રાખી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]