વિધાનસભામાં સામાજિક ન્યાયવિભાગે આપેલી માહિતી જાણો, જરુરી છે…

ગાંધીનગર– વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં સોમવારે સામાજિક ન્યાય અને અધિકારતા મંત્રાલયને લગતાં વિવિધ પ્રશ્ન પૂછવામાં આવ્યાં હતાં, જેમાં રાજ્ય સરકારના પ્રધાન ઇશ્વર પરમાર સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ઇશ્વર પટેલે જવાબ આપ્યાં હતાં.નિરાધાર વૃદ્ધ સહાય યોજના

સરકારના જણાવ્યાં પ્રમાણે રાજ્યના ૫૫ હજાર નિરાધારોને દર મહિને રૂ.૫૦૦ની સહાય સીધી તેઓના ખાતામાં જમા કરાવવામાં આવી રહી છે. ડાયરેકટ બેનિફીસયરી ટ્રાન્સફર (D.B.T.) દ્વારા સીધી બેન્ક કે પોસ્ટના ખાતામાં જમા થઇ રહી છે. જેના લીધે વચેટિયા પ્રથા દૂર થઇ છે અને પારદર્શિતા વધી છે. આ યોજના રૂ.૩૦ની સહાયથી શરૂ થઇ હતી જે આજે રૂ.૫૦૦ સહાય અપાય છે. જેના માટેના અરજીપત્રકો કલેકટર કચેરીએ જનસેવા કેન્દ્ર ખાતેની ઉપલબ્ધ બને છે.

દાહોદ જિલ્લામાં આ યોજના હેઠળ ૮૦૪ લાભાર્થીઓને રૂ.૨૩.૭૭ લાખની સહાય ચૂકવી દેવાઇ છે. દાહોદ જિલ્લામાં કુલ ૭૫ અરજીઓ મળી હતી તે પૈકી ૩૪ અરજીઓ મંજૂર કરાઇ છે અને ૩૭ અરજીઓ નામંજૂર કરાઇ છે. જેમાં નિયત આવક કરતાં વધુ હોવાથી, પુખ્ત વયનો પુત્ર હોવાથી, ઉમર ઓછી હોવાથી, સ્થળે રહેતા ન હોવાથી અને અવસાન થવાથી આ અરજીઓ નામંજૂર કરાઇ છે.જ્યારે  જૂનાગઢ જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૩૯૦ લાભાર્થીઓને રૂ.૧૨.૨૩ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

ઈન્દિરા ગાંધી વૃદ્ધ પેન્શન યોજના

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ વડીલોને પેન્શન આપી તેઓને જીવનનિર્વાહ ચલાવવા સહાય આપવામાં આવે છે. સરકારના જણાવ્યાં પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ભરૂચ જિલ્લામાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ૧,૩૩૭ અરજીઓ મળી હતી તે પૈકી ૧,૧૨૭ અરજીઓ મંજૂર રાખી વડીલોને પેન્શન આપવાનું શરૂ કરાયું છે. એ જ રીતે સૂરત જિલ્લામાં આવેલી ૮૫૭ અરજીઓમાંથી ૬૫૬ અરજીઓ મંજૂર રાખી વડીલોને જીવનનિર્વાહ માટે પેન્શનની સહાય આપવામાં આવી છે.

કુંવરબાઇનું મામેરૂ યોજના

કુંવરબાઇનું મામેરૂ યોજના હેઠળ મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં વિકસતી જાતિની કન્યાઓની ૧,૨૪૬ અરજીઓને મંજૂર રાખીને કુલ ૧૨૪.૬૦ લાખની સહાય આપવામાં આવી છે.કુંવરબાઇનું મામેરૂ યોજના હેઠળ ચાલુ નાણાકીય વર્ષ-૨૦૧૭-૧૮માં મહેસાણા જિલ્લામાં વિકસતિ જાતિની કન્યાઓની ૬૯૮ અરજીઓ મળી હતી તે પૈકી ૫૯૪ અરજીઓ માન્ય રાખી રૂ.૫૯.૪૦ લાખની સહાય આપવામાં આવી છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં ૬૫૨ અરજીઓ માન્ય રાખી ૬૫.૨૦ લાખની સહાય આ યોજના આપવામાં આવી છે.

કોઇપણ દિવ્યાંગ શિષ્યવૃત્તિ સહાય મેળવી શકે

એક પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા ૪૦થી વધુ દિવ્યાંગો જો અભ્યાસ દરમિયાન ૪૦ ટકા થી વધુ ગુણ મેળવે તો રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. ધોરણ-૧ થી ૭માં રૂ.૧,૦૦૦ ધોરણ- ૮ થી ૧૨માં હોસ્ટેલમાં નહીં રહેતા દિવ્યાંગોને રૂ.૧,૫૦૦, હોસ્ટેલમાં રહેનારાને રૂ.૨,૦૦૦, કોલેજમાં ભણતા દિવ્યાંગોને રૂ.૧,૫૦૦, હોસ્ટેલમાં રહેતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને રૂ.૩,૨૫૦, બી.ઇ., બી.ટેક. જેવા ઉચ્ચ અભ્યાસ અને અનુસ્નાતક અભ્યાસ માટે રૂ.૩,૦૦૦ અને હોસ્ટેલમાં રહેતા દિવ્યાંગ વિદ્યાર્થીને રૂ.૪,૦૦૦ શિષ્યવૃત્તિ આવકના બાધ સિવાય આપવામાં આવે છે. શિષ્યવૃત્તિની આ તમામ પ્રક્રિયા ઓન લાઇન ધોરણે થાય છે જેમાં શાળા દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીની વિગતો બેન્કને મોકલાય છે. બેન્ક દ્વારા ચકાસણી થાય છે ત્યારબાદ આ વિગતો શાળાના આચાર્ય સમાજ સુરક્ષા અધિકારીને ઓન લાઇન મોકલી આપે છે. જ્યાંથી ડાયરેકટ બેનિફીટ ટ્રાન્સફર ધોરણે શિષ્યવૃત્તિ દિવ્યાંગના બેન્ક ખાતામાં જમા થાય છે. બેન્ક ખાતુ ન હોવાના કિસ્સામાં શિષ્યવૃત્તિ બેન્ક ડ્રાફટથી ચૂકવાય છે. સૂરત જિલ્લામાં વિકલાંગ શિષ્યવૃત્તિની યોજના અન્વયે તા.૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં આવેલી ૬૦૧ અરજીઓને મંજૂર કરી તમામ ૬૦૧ લાભાર્થીઓને રૂ.૫,૦૨,૫૦૦ની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી હતી.

દિવ્યાંગો સ્વમાનભેર જીવન ગુજારે, આજીવિકા મેળવે તે માટે રાજ્ય સરકારે જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં ૩૧/૧૨/૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૨૬૫ અરજીઓ આવી તેની સામે ૨૬૩ અરજીઓ મંજૂર કરી ૨૬૩ લાભાર્થીઓને રૂા.૧૭,૫૫,૭૫૧/- અમદાવાદ જિલ્લાના ૧,૨૪૯ અરજીઓ આવી તેની સામે ૧,૦૯૬ અરજીઓ મંજૂર કરીને રૂા.૧૫,૪૩,૯૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે.

તેવી જ રીતે પંચમહાલ જિલ્લામાં તા.૩૧/૧૨/૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વિકલાંગ સાધન સહાય યોજના હેઠળ કુલ ૫૪૨ અરજીઓ મળી તેની સામે ૪૭૩ લાભાર્થીઓની અરજીઓ મંજૂર કરીને રૂા.૧૩,૮૪,૮૯૧/-વિકલાંગ સાધન સહાય ચૂકવવામાં આવી છે.

જે ૬૯ અરજીઓ નામંજૂર કરી છે તેમાં ૪૭ અરજીના લાભાર્થીઓએ અગાઉ લાભ લીધેલ છે તેમ જ ૨૨ અરજીના લાભાર્થીઓની વિકલાંગતા ઓછી હોવાના કારણે અરજીઓ નામંજૂર થઇ છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.